અમદાવાદઃ રાજ્યમાં ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને લીધે ટ્રાન્સપોર્ટરોની હાલત કપોડી કરી દીધી છે. પેટ્રોલના ભાવ તો સદી વટાવી ગયો છે પણ ડીઝલનો ભાવ પણ સદી નજીક પહોંચી ગયો છે. અને ભાવનગર સહિત કેલાક શહેરોમાં તો જીઝલનો ભાવ પણ રૂપિયા 100ને વટાવી ગયો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે 25થી 30 ટકા ટ્રકના પૈડા થંભી ગયા છે. કોરોનાકાળમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, તેવામાં ડીઝલના ભાવ વધી જતા ટ્રક સંચાલકોએ કપરી પરિસ્થિતિમાં પસાર થવાનો વારો આવ્યો છે.
ગુજરાતમાં તો ઘણાબધા ટ્રક ઓપરેટરોએ ટ્રકોનું સંચાલન બંધ કરી દીધુ છે. ગુજરાતભરમાં અંદાજે 11 લાખ ટ્રક જ્યારે દેશમાં 1 કરોડ જેટલી ટ્રકો ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં એક્ટિવ છે. જેમાં વિવિધ પ્રકારનો માલ- સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. જેમાં મોટા પ્રમાણમાં ડીઝલનો ઉપયોગ થતો હોય છે. એક તરફ જ્યાં ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, આ સ્થિતમાં ધંધો ટકાવી રાખવો તે મોટો પડકાર બન્યું છે
ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીઝલના ભાવ વધી જવાના કારણે તેમને 40 ટકાની ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે એક તરફ ડીઝલના ભાવ વધ્યા છે. તો બીજી તરફ માર્કેટમાં સ્પર્ધાના કારણે માલ-સમાન લોડિંગ માટેના ભાડા પણ નથી વધારી શકતા. જેના કારણે ટ્રક સંચાલકોએ પોતાનું ઓપરેશન ઓછું કર્યું છે. પરિણામે દેશભરમાં અંદાજે 25-30 ટકા ટ્રકો બંધ પડી છે, એટલે કે નુકસાન ન થાય તે માટે ઓપરેશન બંધ કરવાનો વારો આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત રાજ્યમાં કેટલા સ્થાન પર ટ્રક બંધ થઈ જવાના કારણે ડ્રાઈવરોએ બેરોજગાર બનવાનો પણ વારો આવ્યો છે. જે તેની મોટી અને ગંભીર અસર ગણી શકાય. સાથે સાથે આવનાર દિવસોમાં ડીઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાડાંમાં 10થી 25 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે