રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ગુરૂવારે રાજકોટ આવી પહોંચી હતી. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, 125 પ્લસ બેઠક જીતવાનો આપણો ટાર્ગેટ છે. જેથી 182 બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ યોજાશે. જયારે પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં 15 જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શો અને મહા સંમેલનનું આયોજન થશે
રાજકોટ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે મળેલી સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ આગેવાનોની બેઠક બાદ કોગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ’75મી આઝાદીની ઉજવણી ભાગ રૂપે દાહોદ બાદ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી છે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રભારી તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ રહ્યા હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને ગુજરાતમાં 125 સીટ આવે તેવા પ્રયાસો કરવામાં કરાશે. શર્માએ હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સહપ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપરાંત દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને હેમુ ગઢવી હોલમાં મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પાટીદાર ફેક્ટર ઉપરાંત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના રાજીનામાનો મુદ્દો પણ અગ્રસ્થાને રહેવા પામ્યો હતો.