Site icon Revoi.in

કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં જુથબંધીને કારણે પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકતું નથી

Social Share

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપે તો તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ગામડાંઓ અને શહેરોમાં મિટીંગો કરીને વધુ લોકોને પાર્ટીમાં જાડી રહી છે. ત્યારે સૌથી જુની ગણાતી કોંગ્રેસમાં હજુ કોઈ સળવળાટ દેખાતો નથી. કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાપદ કોને સોંપવું તે હજુ નક્કી કરી શકતી નથી.છેલ્લા અનેક મહિનાઓથી અટકળો ચાલી રહી છે. વર્તમાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા છે પરંતુ દિલ્હી હાઇ કમાન્ડ ગુજરાતના નવા સુકાની માટે કોઇની પસંદગી કરી શકી નથી. વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવા પણ હજુ કન્ફ્યૂઝ હોય તેમ લાગી રહી છે.

ગુજરાત કોંગ્રેસમાં જુથબંધીના કારણે હાઈકમાન્ડ કોઈ નિર્ણય લઈ શક્તી નથી. બીજીબાજુ વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે. ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા ચાલી છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો તાજ કોના માથે મુકવો, કારણ કે પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત સિનીયર નેતાઓ પ્રમુખ માટે દાવેદારી કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના એક જૂથનો બીજો સૂર ઉઠ્યો છે કે દિલ્હી હાઇ કમાન્ડે નવા વ્યક્તિને ચાન્સ આપવો જોઇએ. માત્ર બે ચાર નેતાઓ જ જો પાર્ટી પ્રમુખ તરીકે રીપીટ થતા રહેશે તો નવા કોઇ ચહેરા આગળ વધી શકશે નહીં. નોંધનીય છે, કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા નરેશ રાવલના ઘરે અનેક નેતાઓની બંધ બારણે બેઠક મળી હતી. તેમાથી અનેક સૂર બહાર આવ્યા હતા કે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને વાચા આપવા માટે ગુજરાતમાંથી એક પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવી જોઇએ અને નવા પ્રમુખ, પ્રભારી તેમજ વિપક્ષ નેતાની પસંદગી કરવી જોઇએ.

સિનીયર નેતાઓ કે જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એમને પ્રમુખ ના બનાવવા ચર્ચા પણ ચાલી રહી છે. જેમા ખાસ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયાને પ્રમુખ બનાવવામાં ના આવે એવી રજૂઆત આવી છે. આ સાથે શક્તિસિંહ ગોહિલ અને સિધ્ધાર્થ પટેલને પણ પ્રમુખ ના બનાવવા માંગ ઉઠી છે. પૂર્વ પ્રમુખો પરિણામ નથી આપી શક્યા તો નવાને ચાન્સ આપવાનો મંતવ્ય રજૂ કરાયો હતો. કોંગ્રેસ નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષના નામની 3-3 ની પેનલ તૈયાર કરી છે. પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ ઠાકોર, નારણ રાઠવા અને નરેશ રાવલનું પેનલમાં નામ મુકાયું છે. નેતા વિપક્ષ માટે શૈલેષ પરમાર, વિરજી ઠુમ્મર અને પૂંજાભાઈ વંશનું નામ મુકવામા આવ્યું છે. જો હાઇકમાન્ડ સૂચનો માંગે તો આ નામો આપવા નક્કી કરાયું છે.