અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાની તારીખ જાહેર ન કરાતા કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજ નિમાણના ત્રણ-ચાર વર્ષમાં જર્જરિત બની જતાં આખરે વાહન વ્યવહાર માટે બ્રિજને બંધ કરીને તેના કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન બ્રિજને તોડવાની હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી. બ્રિજ તોડીને તેની જગ્યાએ નવો બ્રિજ બનાવાશે. પરંતુ હાલ હૈયાત બ્રિજને તોડવાની કોઈ તારીખ હજુ નક્કી ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજની નબળી ગુણવત્તાના બાંધકામના કૌભાંડને પગલે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા અંગેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. કમિશનર દ્વારા બ્રિજ તોડી પાડવાની જાહેરાતને મહિનાઓ વીતી ગયા હોવા છતાં પણ આજદિન સુધી બ્રિજને તોડવા અંગેની કોઈપણ તારીખ જાહેર કરવામાં આવી નથી જેના પગલે અમરાઈવાડી વિધાનસભાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર બ્રિજ નીચે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. સ્થાનિક નેતાઓ અવારનવાર આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા અંગે કોઈ તારીખ જાહેર કરાઇ નથી
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામ અંગે કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે. એટલા જ કન્સલટન્ટ પણ જવાબદાર છે, પરંતુ તેની સામે કોઈ પગલાં લેવાયા નથી. બિલ્ડરને બ્લેકલિસ્ટ કરીને તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ એજન્સીઓના રિપોર્ટ બાદ નબળા બ્રિજને તોડી પાડવાનો નિર્ણય તો મ્યુનિ.કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. પરંતુ બ્રિજ તોડવા માટેની હજુ તારીખ નક્કી કરવામાં આવતી નથી. આ બ્રિજ તોડાયા બાદ તેની જગ્યાએ નવો બ્રિજ બવાવવામાં આવશે.એટલે તેને પણ વર્ષો લાગી જશે. અને ત્યાં સુધી આ વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે.