- બેંગ્લોર રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આરોપીઓ સામે કરી ચાર્જશીટ
- એનઆઈએની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા
બેંગ્લોરઃ બેંગ્લોરમાં હાઈપ્રોફાઈલ રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં મુસાવિર હુસેન શાજિબ, અબ્દુલ મથીન અહમદ તાહા, માજ મુનીર અહમદ અને મુઝમમ્મિલ શરીફની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ આરોપીઓ હાલ જ્યુડિશયલ કસ્ટડીમાં છે. એનઆઈએએ ચાર્જશીટમાં ઘટસ્ફોટ કર્યો છે કે, આરોપી તાહા અને શાજિબને તેમના હેન્ડલરએ ક્રિપ્ટો કરન્સી મારફતે ફંડીગ કર્યું છે. જે તાહાએ અલગ-અલગ ટેલીગ્રામ બેસ્ટ પી2પી મારફતે ફિએટમાં બદલી લેવામાં આવ્યું હતું. આરોપીઓએ બેંગ્લોરમાં હિંસા અને વિવિધ પ્રવૃતિ માટે આ ફંડનો ઉપયોગ કર્યો હતો.
આતંકવાદીઓએ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે જ મલ્લેશવરમમાં કર્ણાટક ભાજપા કાર્યાલય પર એક આઈઈડી બ્લાસ્ટનું કાવતરુ ઘડ્યું હતું. જે બાદ બંને મુખ્ય આરોપીઓએ રામેશ્વરમ કેફે વિસ્ફોટની યોજના બનાવી હતી. 1લી માર્ચના રોજ રામેશ્વર કૈફેમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. 3 માર્ચના રોજ એનઆઈએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને અન્ય એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન શાજિબએ બોમ્બ મુક્યાનું ખુલ્યું હતું. અલ-હિંદ મોડ્યુઅલનો પર્દાફાશ થયા બાદ શાજિબ અને તાહા ફરાર થઈ ગયા હતા. એનઆઈએએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે વિવિધ સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. દરમિયાન 42 દિવસ બાદ તપાસનીશ એજન્સીએ આરોપીઓને બંગાળમાંથી ઝડપી લીધા હતા. બંને આતંકવાદીઓ આઈએસઆઈએસ સાથે જોડાયેલા હતા. એટલું જ નહીં યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આઈએસમાં સામેલ કરવા માટે બ્રેઈનવોશ કરતા હતા.