1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સંવિધાન સભાએ આપણને સમાનતા અને રાઈટ ટુ લાઈફના અધિકારો આપ્યા છેઃ મુકૂલ વાસનિક
સંવિધાન સભાએ આપણને  સમાનતા અને રાઈટ ટુ લાઈફના અધિકારો આપ્યા છેઃ મુકૂલ વાસનિક

સંવિધાન સભાએ આપણને સમાનતા અને રાઈટ ટુ લાઈફના અધિકારો આપ્યા છેઃ મુકૂલ વાસનિક

0
Social Share

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા અને શહેર  (નગરપાલિકા) કોંગ્રેસ સમિતિના પ્રમુખોની સંગઠન સંવાદ બેઠક અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સંગઠન બેઠકને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી મુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારત દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આજનો દિવસ સંવિધાન દિવસ છે. બંધારણના નિર્માતાને યાદ કરીને શ્રદ્ધા-સુમન અર્પણ કરું છું. ડો. બાબાસાહેબ આંબેડકરના અધ્યક્ષસ્થાને સંવિધાન સભાએ આપણને સમાનતાના અને રાઇટ ટુ લાઈફ સહિતના અધિકારો આપ્યા છે. આજે દેશ અને સંવિધાન સામે મોટો ખતરો છે. આ મોટા પડકારનો આપણે સૌ કોંગ્રેસજનોએ દેશહિતમાં સાથે મળીને સામનો કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સંવિધાન સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ સંવિધાન પૈકીનું એક છે. સ્વાધીનતા આંદોલનના સપનાને ભારતીય સંવિધાન ઉજાગર કરે છે. જે સપના જોઈને મહાત્મા ગાંધી, ગોપાલકૃષ્ણ ગોખલે, મૌલાના આઝાદ, સરોજીની નાયડુ, મોતીલાલ નહેરૂ સહિતના અનેકે આઝાદીનો જંગ લડીને આપણને આઝાદી અપાવી. આ સમય એટલા માટે આપણે યાદ કરવાનો છે કે ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસ અન્ય દેશોના સ્વાધીનતાના ઈતિહાસ કરતા અલગ છે. કારણ કે આપણો સ્વાધીનતાનો સંગ્રામ ધર્મ, ભાષા, જાતિના આધારે નહીં પરંતુ આ તમામથી ઉપર ઊઠીને તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર મળે તેવા સપના સાથે થયો હતો અને એટલે જ અન્ય રાષ્ટ્રો કરતાં ભારત સહુને સાથે રાખીને આગળ વધી રહ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે તાલુકા સમિતિ અને નગરપાલિકા સમિતિના સંગઠનને વધુ સક્રિય કરવું પડશે. સત્તા પડાવી લેવા માટે નહીં પરંતુ કોંગ્રેસ પક્ષના સેવાના યજ્ઞમાં જુદા-જુદા ક્ષેત્રના લોકોને જોડવા માટે હાથ સે હાથ જોડોનું જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. તાલુકા અને શહેર (નગરપાલિકા)ના સંગઠન પ્રમુખોએ તેમને સોંપેલી સેક્ટર-મંડલ સહિતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા હિમાયત કરી હતી.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તાલુકા, શહેર કે સંપૂર્ણ સક્રિય યુનિટથી જ પક્ષની કામગીરી વધુ મજબૂતી કરી શકાશે. સ્થાનિક પ્રશ્નો અનેક છે, લોકોની સમસ્યા ઘણી છે, ત્યારે આપણે સૌ લોકોની સમસ્યામાં કઈ રીતે તેમને મદદરૂપ થવાય અને જ્યાં તંત્ર અન્યાય કરે ત્યાં લોકોને સાથે રાખીને લડતમાં પણ જોડાઈએ. લોકોની વાત સરકાર સાંભળતી નથી, તંત્ર બહેરુ છે તેવા સમયે કોંગ્રેસ જન માધ્યમ બનીને લોકોનો અવાજ બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code