બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ બદલી શકાતી નથી, ગડકરીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારના રોજ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માન તહસીલમાં ચૂંટણી સભા સંબોધી હતી… આ રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું કે કોંગ્રેસ દાવો કરી રહી છે કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલાશે. તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ જેવી કે બિનસાંપ્રદાયિકતા અને મૂળભૂત અધિકારોને કોઈપણ પક્ષ, નેતા કે સાંસદ પણ બદલી શકતી નથી.
કોંગ્રેસે અનેક વખત બંધારણમાં સુધારા કર્યાઃ ગડકરી
નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે જ્યારે વિપક્ષી પાર્ટી સત્તામાં હતી ત્યારે તેણે અનેક વખત બંધારણમાં સુધારો કર્યો હતો. કોંગ્રેસ એવો પ્રચાર કરી રહી છે કે ભાજપ ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા લખાયેલ ભારતના બંધારણને બદલવાની યોજના બનાવી રહી છે, પરંતુ બંધારણ બદલી શકાતું નથી. 1973ના કેશવાનંદ ભારતી ચુકાદા દ્વારા રેખાંકિત પ્રસિદ્ધ ‘મૂળભૂત માળખું’ સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ વાણી સ્વાતંત્ર્ય, મૂળભૂત અધિકારો, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા છે, જેને કોઈપણ નેતા, પાર્ટી કે સંસદ બદલી શકતી નથી .
કોંગ્રેસના નેતાઓએ કહ્યું ગરીબી હટાવો પણ માત્ર ખાસ લોકોની જ ગરીબી દુર થઇ
ગડકરીએ કહ્યું કે પંડિત નેહરુએ કહ્યું ગરીબી હટાવો, ઈન્દિરા ગાંધીએ કહ્યું ગરીબી હટાવો, રાજીવ ગાંધીએ કહ્યું ગરીબી હટાવો અને પછી સોનિયા ગાંધી આવ્યા કહ્યું ગરીબી હટાવો, રાહુલ ગાંધી આવ્યા અને કહ્યું ગરીબી હટાવો પણ કોની ગરીબી હટાવી? તેમણે આગળ કહ્યું, ‘એટલે જ હું કહું છું કે ગરીબી કોઈનાથી દૂર નથી થઈ, બસ અમુક ખાસ લોકોની ગરીબી દૂર થઈ છે.