અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકારે દ્વારા લોકડાઉન અને કરફ્યુ નાખ્યો હતો. કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સરકારના આ પગલાને પરિણામે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સતત કોવીડમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા અનેક પોલીસ કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. મહામારીમાંઆર્મ્સ યુનિટના ડીઆઈજી એમ.કે.નાયક (IPS) સહિત રાજ્યના ૧૦૭ પોલીસ અધિકારી-કર્મચારીએ જીવ ગુમાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના દરિયાપુરના પીઆઈ જે.બી.ચાવડાનું કોરોનાથી મોત થયું હતું. રાજ્યમાં માર્ચ 2020માં કોરોના વાઈરસે આંતક મચાવાનું શરૂ કર્યું હતું. તબક્કાવાર કેસો વધી રહ્યાં હતા, તેમ છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં અન્ય સરકારી વિભાગોની સાથે પોલીસ તંત્રની હાલત પણ સૌથી કફોડી બની હતી. ઈલેક્શનના બંદોબસ્તથી લઈ વિજય સરઘસો સુધી પોલીસને તૈનાત રખાઈ હતી. કોરોના સંક્રમિત થયેલા 80થી વધુ પોલીસ કર્મચારીએ જીવ ગુમાવ્યા છે. જેમાં અમદાવાદ સિટીમાં સૌથી વધુ 20 તે પછી વડોદરામાં 13 પોલીસ કર્મચારીના મોત થયા છે. હજૂ પણ અનેક પોલીસ અધિકારી અને કર્મચારીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.
ગાંધીનગરના એક પોલીસ કર્મચારીનો કિસ્સો સામે આવ્યા છે. એલઆઈબીમાં ફરજ બજાવતાં ASI ભગવાનભાઈ કોરોના સંક્રમિત થતાં તેમની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવારજનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી હોસ્પિટલમાં બેડ અપાવવા માટે કહ્યું હતું, પરંતુ તેમને કોઈ હોસ્પિટલમાં બેડ મળ્યો ન હતો. ભગવાનભાઈને સમયસર ઓક્સિજન નહીં મળતાં તેમનું મોત થયું હતું. રાજ્યમાં પોલીસની સાથે બંદોબસ્તમાં તથા નાઈટ ટયુટીમાં ફરજ બજાવતાં 22 હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોના પણ કોરોના વાઈરસથી મોત નિપજ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોની સુરક્ષા પ્રત્યે પણ ઓરમાયુ વર્તન રાખવામાં આવતું હોવાનું ચર્ચાઈ છે.