અમદાવાદઃ ગુજરાતમાં ઘણાબધા ગામડાંમાં શિક્ષણની પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં ભણવા માટે નજીકના શહેરમાં આવવા એસટી બસનો પાસ કઢાવીને અપ-ડાઉન કરતા હોય છે. વિદ્યાર્થીઓને એસટી બસ મળતી નથી કે અનિમિત આવે છે, બસની સુવિધા જ નથી. બસ ઉભી નહી રહેતી સહિતના વિદ્યાર્થીઓના બસને લઇને ઉભા થયેલા પ્રશ્નોનો તાકિદે નિકાલ લાવવા એસ ટી નિગમના ઉપાધ્યક્ષે આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી બસને લઇને ઉભી થયેલી સમસ્યાઓ જાણીને તેમના પ્રશ્નોનો 10 દિવસમાં નિકાલ કરવા તમામ ડેપો મેનેજરોને આદેશ કરાયો છે.
ગુજરાતમાં એસટી બસમાં નિયમિત અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો હોય છે. જેમાં અનિયમિત બસ, બસ ઊબી ન રહેવી. ડ્રાઈવર-કંડકટરનું વિદ્યાર્થીઓ પ્રત્યે અયોગ્ય વર્તન, વગેરે હોય છે. ઘણીવાર વિદ્યાર્થીઓને પ્રશ્નોના ઉકેલ માટે આંદોલનો પણ કરવાની ફરજ પડતી હોય છે. રાજ્યભરના અનેક ડેપોમાંથી વિદ્યાર્થીઓને બસને લઇને અનેક રજુઆતો કરવામાં આવતી હોય છે. ત્યારે એસ ટી બસને લઇને વિદ્યાર્થીઓમાં ઉભા થયેલી સમસ્યાઓ અને પ્રશ્નોનો તાકિદે નિકાલ કરવા એસ ટી નિગમના ઉપાધ્યક્ષ એમ.એ.ગાંધીએ આદેશ કર્યો છે.
ગુજરાત એસટી નિગમના ઉપાધ્યક્ષ દ્વારા રાજ્યભરના તમામ વિભાગીય નિયામકો તેમજ એસ ટી ડેપો મેનેજરોને સુચના આપી છે કે, હાલમાં સંચાલિત થઇ રહેલી સર્વિસો વિદ્યાર્થીઓ માટે પૂરતી છે કે, કેમ તેની ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત બસને લઇને વિદ્યાર્થીઓમાંથી મળેલી રજુઆતોનો યોગ્ય અભ્યાસ કરીને તેનો નિકાલ કરવાનો રહેશે. વિદ્યાર્થીના પ્રશ્નોનો 10 દિવસમાં ઉકેલ લાવવા પણ જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગામડાંઓમાંથી અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓના પ્રશ્નો વધુ જોવા મળી રહ્યા છે. (FILE PHOTO)