Site icon Revoi.in

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ગણતરી બે તબક્કામાં જ યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે તબક્કામાં મત ગણતરીના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેમજ એક જ તબક્કામાં મત ગણતરી રાખવાની દાદ માંગી હતી. જો કે, હાઈકોર્ટે સુનાવણીના અંતે અરજી ફગાવી દીધી હતી. જેથી અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી તા. 23મી ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી તા. 2 માર્ચના રોજ હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાન બે તબક્કામાં રાખવામાં આવી છે. અમદાવાદ સહિત છ બેઠકો માટે તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને તા. 23મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. તેમજ 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે અને તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરી બે તબક્કામાં રાખવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેમજ મત ગણતરી એક જ દિવસે રાખવાની દાદ માંગવામાં આવી હતી. જો 23મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી હાથ ધરાય તો તેના પરિણામની અસર તા. 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા મતદાન ઉપર પડવાની શકયતા છે. ચૂંટણી પંચે અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2005થી ગુજરાતમાં બે તબક્કામાં મતગણતરી કરવામાં આવે છે. તેમજ એક જ દિવસે મતગણતરી રાખવામાં આવે તો વધારે સ્ટાફ જોઈએ. જેથી એક સાથે મત ગણતરી રાખવી શકય નથી.

ગુજરાત હાઈકોર્ટે અરજદાર અને ચૂંટણી પંચની રજૂઆત બાદ એક જ તબક્કામાં મતગણતરી યોજવાની અરજી ફગાવી દીધી છે. આમ ચૂંટણીપંચે કરેલી જાહેરાત પ્રમાણે જ મતગણતરી થશે.