વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના સીગ્રા ખાતે આવેલા ડૉ. સંપૂર્ણાનંદ રમતગમત સ્ટેડિયમમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે વડાપ્રધાનએ કહ્યું હતું કે, કાશી હંમેશા જીવંત રહ્યું છે અને સતત પ્રવાહની જેમ વહેતું રહે છે. હવે કાશીએ સમગ્ર દેશને વારસાની સાથે વિકાસનું પણ ચિત્ર બતાવી દીધું છે. હજારો કરોડ રૂપિયાના મૂલ્યની યોજનાઓ અને પ્રોજેક્ટના કામ પૂરાં કરવામાં આવ્યા છે અને ઘણા કામો ચાલુ છે. કાશીનો આત્મા આંતરિક છે, જો કે, કાશીના શરીરમાં એકધારો સુધારો થઇ રહ્યો છે. વિકાસ કાશીને વધુ ગતિશીલ, પ્રગતિશીલ અને સંવેદનશીલ બનાવી રહ્યો છે. “મારું કાશી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનું મોટું દૃશ્ટાંત છે.”
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “કાશીના જાગૃત લોકોએ જે પ્રકારે સમગ્ર દેશને દિશા બતાવી છે તે જોઇને મને ખૂબ જ ખુશી થાય છે. કાશીના રહેવાસીઓએ આખા દેશને સંદેશો આપ્યો છે કે, શૉર્ટક્ટથી દેશને ફાયદો થઇ શકતો નથી.” માળખાકીય સુવિધાઓ અને અન્ય ક્ષેત્રોમાં સુધારાથી શહેરમાં પર્યટનનો વિકાસ થયો છે અને વ્યવસાય તેમજ ઇઝ ઓફ લિવિંગ માટે નવી તકો ઊભી થઇ છે.
શ્રાવણ મહિના અંગે વાત કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, આખા દેશમાંથી અને આખી દુનિયામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાબા વિશ્વનાથના ભક્તો કાશી આવે છે. વિશ્વનાથધામ પરિયોજનાનું કામ પૂરું થયા પછી આ પહેલો શ્રાવણ મહિનો આવ્યો છે. વિશ્વનાથધામને અંગે આખી દુનિયામાં કેટલો ઉત્સાહ છે તે લોકોએ ગયા મહિનાઓમાં અનુભવ્યું છે. સરકાર ભક્તોના અનુભવને શક્ય તેટલો સમૃદ્ધ અને સરળ બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આસ્થાની વિવિધ યાત્રાઓને સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી રહી છે.
વડાપ્ધાનએ કહ્યું હતું કે, “અમારા માટે, વિકાસ માત્ર ઝાકઝમાળ નથી. અમે માનીએ છીએ કે, વિકાસ એટલે ગરીબો, દલિત, વંચિત, પછાત, આદિવાસી, માતાઓ અને બહેનોનું સશક્તીકરણ.” સરકાર દરેક પરિવારને પાકા મકાનો અને પાઇપ દ્વારા પાણી પહોંચાડવા માટે એકધારી કામ કરી રહી છે. અમારી સરકારે હંમેશા ગરીબોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, તેમના સુખ અને દુઃખના સમયમાં તેમને સહકાર આપવાનો પ્રયાસ કર્યો છે. કોરોનાની મફત રસી આપવાથી માંડીને ગરીબો માટે મફત રાશનની જોગવાઇ કરવા સુધી દેરક બાબતે, સરકારે લોકોની સેવા કરવાની કોઇ તક છોડી નથી. ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત, તબીબી માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિના કારણે લોકો માટે નવી તકો ઊભી થઇ રહી છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, એક તરફ અમે દેશના શહેરોને ધુમાડા મુક્ત બનાવવા માટે સીએનજીથી ચાલતા વાહનો માટેની સુવિધાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ. તો બીજી તરફ, અમે આપણા નાવિકોની ડીઝલ અને પેટ્રોલથી ચાલતી બોટને સીએનજી સાથે જોડવાનો અને ગંગાજીની કાળજી લેવાનો વિકલ્પ પણ આપી રહ્યા છીએ.
નવું રમતગમત કેન્દ્ર મેળવવામાં રમતવીરોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળી રહ્યો છે. કાશીમાં ઓલિમ્પિક્સ રમતો માટેની તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. સીગ્રામાં આવેલા ફરીથી તૈયાર કરવામાં આવેલા સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. છ દાયકા જૂનું આ સ્ટેડિયમ હવે 21મી સદીની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કાશીના રહેવાસીઓને ગંગા તેમજ વારાણસીને સ્વચ્છ રાખવા માટે અનુરોધ કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકોના સમર્થન અને બાબા વિશ્વનાથના આશીર્વાદથી શહેર માટેના તમામ સંકલ્પો પૂરા થશે.