Site icon Revoi.in

દેશને જલ્દી જ મળી શકે છે નવું સંસદ ભવન,PM મોદી આ દિવસે કરી શકે છે તેનું ઉદ્ઘાટન

Social Share

દિલ્હી : દેશને બહુ જલ્દી સંસદનું નવું ભવન મળવા જઈ રહ્યું છે. સંસદ ભવનનું ઉદ્ઘાટન આ મહિને જ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા હતા, ત્યારબાદ તેમણે 30 મેના રોજ તેમના બીજા કાર્યકાળના શપથ લીધા હતા. આવી સ્થિતિમાં તેમના કુલ કાર્યકાળના નવ વર્ષ પૂર્ણ થવા પર નવા સંસદ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન થઈ શકે છે. આ માટે કડક અને નવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. માર્ચ મહિનાની શરૂઆતમાં પીએમ મોદીએ અચાનક નવા સંસદ ભવનની મુલાકાત લીધી હતી અને કામકાજ નિહાળ્યું હતું. તેમણે અહીં એક કલાકથી વધુ સમય સુધી તમામ બાબતોની વિગતો લીધી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ તેમની સાથે હાજર હતા.

10 ડિસેમ્બર 2020 ના રોજ કરવામાં આવ્યો હતો શિલાન્યાસ

PM મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને ગુરુવારે PM નવા સંસદ ભવનનું કામ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદના બંને ગૃહોમાં ઉપલબ્ધ સુવિધાઓ પણ જોઈ. પીએમએ નિર્માણ કાર્યમાં રોકાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી.

નવા સંસદ ભવનની વિશેષતા શું છે?

માહિતી અનુસાર,આ કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને 2020માં 861.9 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. જેની કિંમત પાછળથી વધારીને લગભગ 1,200 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. નવા સંસદભવનમાં લોકસભાના ફ્લોરની યોજના રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર રાખવામાં આવી છે. નવી ઇમારત જૂના સંસદ ભવન કરતાં 17,000 ચોરસ મીટર મોટી છે.

આ ઇમારત ભૂકંપ પ્રતિરોધક છે

એટલું જ નહીં, આ બિલ્ડિંગ સંપૂર્ણપણે ભૂકંપપ્રૂફ છે, જેની ડિઝાઇન ‘HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે. સંસદના નવા બિલ્ડીંગમાં એક સાથે 1200થી વધુ સાંસદોને બેસવાની સુવિધા આપવામાં આવી છે. જેમાં લોકસભામાં 888 સાંસદો અને રાજ્યસભામાં 384 સાંસદો બેસી શકે છે. નવા બિલ્ડીંગમાં એક સુંદર સંવિધાન હોલ પણ બનાવવામાં આવ્યો છે.

આ નવું સંસદ ભવન 13 એકરમાં બનેલ છે. તે રાષ્ટ્રપતિ ભવનથી થોડે દૂર સ્થિત છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનેલ સંસદમાં ચાર માળની ઇમારત છે જેમાં લાઉન્જ, લાઇબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે.

 નવું સંસદ ભવન કેમ બનાવવામાં આવી રહ્યું છે?

હકીકતમાં, દેશનું હાલનું સંસદ ભવન 95 વર્ષ પહેલા 1927માં બનાવવામાં આવ્યું હતું અને માર્ચ 2020માં સરકારે સંસદને જણાવ્યું હતું કે જૂની ઇમારતનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેની હાલત ધીમે ધીમે બગડી રહી છે. નવા સંસદ ભવનનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે જૂની ઇમારતમાં સાંસદો માટે પૂરતી બેઠકો નથી જે લોકસભા બેઠકોના નવા સીમાંકન પછી વધશે. જેના કારણે સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે.