દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. તે ઉચ્ચ કૌશલ્ય ધોરણોનું પ્રદર્શન કરશે. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયે જણાવ્યું છે કે 30 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવસોથી વધુ વિદ્યાર્થીઓ ઈન્ડિયા સ્કિલ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં વિવિધ ઉદ્યોગોના ચારસોથી વધુ નિષ્ણાતો પણ ભાગ લેશે.
ચાર દિવસીય સ્પર્ધા પ્રતિભાગીઓને પરંપરાગત હસ્તકલાથી લઈને અત્યાધુનિક ટેકનોલોજી સુધીના 61 ક્ષેત્રોમાં તેમની વિવિધ કુશળતા અને પ્રતિભા દર્શાવવાની તક આપશે. 47 કૌશલ્ય સ્પર્ધાઓ નિયુક્ત સ્થળ પર યોજવામાં આવશે જ્યારે બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને કારણે 14 સ્પર્ધાઓ કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં યોજાશે. વિદ્યાર્થીઓ ડ્રોન-ફિલ્મ નિર્માણ, કાપડ-વણાટ, ચામડાના જૂતા બનાવવા અને કૃત્રિમ માનવ અંગોના ઉત્પાદન જેવા નવ કૌશલ્ય પ્રદર્શનમાં પણ ભાગ લેશે.
ઈન્ડિયાસ્કિલ્સના વિજેતાઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રાન્સના લિયોન ખાતે યોજાનારી વર્લ્ડ સ્કિલ સ્પર્ધામાં ભાગ લેશે, જ્યાં 70 થી વધુ દેશોના 1500 સ્પર્ધકો તેમની કુશળતા દર્શાવશે.