Site icon Revoi.in

ધરાઈ ડેમ નજીક 1041 કરોડના ખર્ચે દેશની સૌથી ઊંચી વેધશાળા બનાવાશે

Social Share

ગાંધીનગરઃ નર્મદા ડેમ નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ આધુનિક દુનિયાની વધુ એક વર્લ્ડ કલાસ અજાયબી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ પાસે આકાર લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ ગુજરાત સરકારે ધરોઈ ખાતે અવકાશ વેધશાળા ગ્રહનક્ષત્રો તથા હવામાનમાં પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટેની ઇમારત કમ મનોરંજન માટેની ઈમારત ઊભી કરવાનો વિસ્તૃત પ્લાન તૈયાર કર્યેા છે. ધરોઈડેમ વડાપ્રધાન મોદીના વતન વડનગરથી થોડા કિલોમીટર દૂર આવેલો છે. આ પ્રોજેકટના પ્રસ્તાવને મંજૂરી માટે વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે. આ પ્રોજેકટ પાછળ અંદાજિત 1,041 કરોડ રૂપિયા ખર્ચાશે અને ત્રણ વર્ષમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે ધરોઈ ડેમ અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે ‘વર્લ્ડ કલાસ સસ્ટેઈનેબલ ટૂરિઝમ પિલગ્રીમેજ’ પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધરોઈ ડેમ પ્રોજેકટની સાથે વડનગર હેરિટેજ અને કલ્ચરલ ટુરિઝમ, અંબાજી યાત્રાધામના પ્રવાસનને વેગ મળે તે માટે ટુરિઝમ સર્કીટ તૈયાર કરાશે. જેનો લાભ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશના પ્રવાસીઓ લઈ શકશે.ધરોઈ ડેમ નજીક  140 મીટર ઊંચાઈ ઘરાવતું ટાવરમાં  દેશની સૌથી ઊંચી અવકાશી વેધશાળા હશે. અહીં ટેલિસ્કોપ ગેલેરી, વ્યૂઈંગ પોઈન્ટ અને ખગોળશાસ્ત્રીય વેધશાળા હશે. ઉપરાંત ટાવરમાં ઓપન ડેક હશે ત્યાંથી  નરી આંખે આકાશને નિહાળી શકાશે. સાથે જ ટાવરના ટોપ છેડે અડધી ઢાંકેલી બેઠક વ્યવસ્થા હશે અને આ જ પ્રકારનો અર્થઘટન ઝોન તૈયાર કરાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટમાં વિઝિટર સેન્ટર, અમ્ફિથિએટર, લેસર શો, વોટર સ્પોટર્સ ઝોન, આઈલેન્ડ એડવેન્ચર ઝોન સહિતની એકિટવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઐતિહાસિક ધરોઈ ડેમ પ્રોજેકટમાં અવકાશ વેધશાળા ઉપરાંત લેસર શો સાથેનું અમ્ફિથિએટર, વોટર સ્પોટર્સ ઝોન, આઈલેન્ડ એડવેન્ચર ઝોન, વેલનેસ અને નેચરોપથી સેન્ટર, પોલો કલબ, રિસોર્ટ અને ઈવેન્ટ ગ્રાઉન્ડ સાથેનું કન્વેન્શન સેન્ટર પણ હશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મંજૂરી મળ્યા બાદ પ્રોજેકટના માસ્ટર પ્લાનને અપ્રુવલ માટે વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ આ પ્રોજેકટની પરિકલ્પના કરી છે ત્યારે રાજ્ય સરકાર તેને કાગળ પરથી હકીકતમાં ઉતારવાની પ્રક્રિયા મંજૂરી બાદ કરશે. રાજ્ય સરકાર વડનગરને હેરિટેજ સિટી તરીકે વિકસાવી રહી છે. અહીં મ્યૂઝિમ સહિતના આકર્ષણો હશે. ઉપરાંત વિશ્વમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની આસપાસના વિસ્તારમાં પણ વિકાસ કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ પ્રદેશમાં આવેલા બધા જ આકર્ષણો માટે ધરોઈ ડેમ સૌને જોડનારી ટુરિઝમ સાઈટ બનશે. આ પ્રોજેકટ હેઠળ ધરોઈ ડેમ પર સીપ્લેન ટર્મિનલ પણ બનાવાશે. ફિકસ અને લોટિંગ જેટી પણ તૈયાર કરાશે. ઉપરાંત ટર્મિનલ એરિયામાં વેઈટિંગ ઝોન, કેફેટેરિયા સહિતની વિવિધ સુવિધાઓ પ્રવાસીઓને  ઉપલ્બ્ધ કરાવાશે. (file photo)