અમદાવાદઃ દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા ગુજરાતના પાંચ જેટલા સ્થળોનો વોટર હેરિટેજમાં સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદનું કાંકરિયા લેક, ચંડોળા તળાવ અને સરખેજ રોજા તળાવનો સમૂહ, લોથલની ગોદી, પાટણની રાણીની વાવ, ભુજનું હમીરસર તળાવ અને જૂનાગઢ ભવનાથના સુદર્શન તળાવને ‘વોટર હેરિટેજ સાઇટ’માં સ્થાન મળ્યું છે. જેના લીધે હવે આ પાંચેય વોટર સ્થળોનો ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરી શકાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં 75 ‘વોટર હેરિટેજ સાઇટ’ની ઓળખ કરાઈ છે. જેમાં ગુજરાતના પાંચ સ્થળોનો સમાવેશ કરાયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયને કુલ 421 એન્ટ્રી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય એજન્સીઓ, એનજીઓ અને નાગરિકો દ્વારા મળી હતી. જેમાંથી નિષ્ણાત કમિટીએ 75 વોટર હેરિટેજ સ્ટ્રક્ચર ધરાવતી સાઈટોની ઓળખ કરી છે. જેમાં સૌથી વધુ રાજસ્થાન અને તામિલનાડુમાં 7-7 અને મધ્યપ્રદેશમાં 6, ગુજરાત અને કર્ણાટકમાં 5-5, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, આસામ અને મહારાષ્ટ્રમાં 4-4, હરિયાણામાં 3, બિહાર, ઉત્તરાખંડ, કેરાલા અને ઓડિશામાં બે-બે તેમજ દિલ્હી સહિત અન્ય 14 રાજ્યોમાં એક-એકનો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના એન્સીઅન્ટ મોનુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ એન્ડ રિમેઇન એક્ટ 1958 અંતર્ગત વોટર હેરિટેજ સાઇટ અંગે કોઈ જોગવાઈ ન હોવાથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 વોટર હેરિટેજ સ્ટ્રક્ચરની ઓળખ કરાઇ છે. હાલમાં તેમની જાળવણી કે મરામત માટે કોઈ અલગથી ફંડ ફાળવાયું નથી. –
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાંકરિયા તળાવ 30 હેક્ટરમાં, ચંડોળા તળાવ 67 હેક્ટરમાં અને સરખેજ રોજા 6 હેક્ટરમાં આવેલા છે. જે ઈ.સ.1451 આસપાસ નિર્માણ કરાયેલા છે. આ ત્રણે તળાવમાં અમદાવાદ શહેરના કેચમેન્ટ એરિયામાંથી પાણી ભરાય છે . આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના સરગવાળા ગામે આવેલા લોથલ ડોક્સ (ગોદી) ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક છે. લોથલ 5000 વર્ષ જૂનું સિંધુ ખીણ સંસ્કૃતિઓનું એકમાત્ર બંદર-નગર હતું. પ્રાચીન લોથલની ગોદી 200 મીટર લાંબી અને 35 મીટર પહોળી છે. તેમજ ભુજનું હમીરસર તળાવ મહાનગરપાલિકા અને રાજ્યરક્ષિત તળાવ છે. ઇ.સ. 1548-85 વચ્ચે કચ્છના શાસકો રાવ પ્રાગમલજી બીજા અને રાવ ખેંગારજીએ બંધાવેલું છે. 450 વર્ષ જૂનું આ તળાવ ભુજ શહેરનો પાણીનો મુખ્ય આધારસ્તંભ છે. જ્યારે જુનાગઢના ભવનાથમાં આવેલું સુદર્શન તળાવ 150 વર્ષ જૂનું મનાય છે. જુનાગઢના શિલાલેખ મુજબ સુદર્શન તળાવ કૃત્રિમ જળાશય હતું. જે મૌર્ય સમ્રાટો દ્વારા પૂરને રોકવા બનાવવામાં આવ્યું હતું.