સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPS દ્વારા તૈયાર કરાયેલો કોર્ષ આગામી વર્ષથી ભણાવાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે અને વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે તેવો પરિપત્ર રજિસ્ટ્રાર એ.એસ. પારેખે 9 સપ્ટેમ્બરે બહાર પાડ્યો છે. આમ હવે યુનિવર્સિટીમાં બીએપીએસ દ્વારા તૈયાર કરાયેલો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે,
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 250થી વધુ કોલેજ છે, જેમાં કાઉન્સિલના અભ્યાસક્રમો સિવાયના અભ્યાસક્રમોમાં દર વર્ષે 60,000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ રહ્યાં છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ ફરજિયાત કરાવાયો છે. આ કોર્સમાં પ્રથમ સેમેસ્ટરનું પુસ્તક 220 રૂપિયા અને ઓનલાઈન મગાવાય તો 250 અને હોલસેલમાં મગાવાય તો 210 રૂપિયામાં પડે છે. આ પુસ્તક ફક્તને ફક્ત બીએપીએસ સંસ્થા જ આપશે. આ રીતે જોઇએ તો વિદ્યાર્થીઓ પર આ વર્ષથી 1.32 કરોડનો બોજો પડશે જ્યારે આવતા વર્ષથી પુસ્તકોની આ ખરીદી 2.64 કરોડ પ્રતિવર્ષ થઈ જશે.
આ કોર્સમાં અલગ અલગ મહાનુભાવોના ફોટા અને ક્વોટ છે, પણ સાથે સાથે વિસ્તૃત ઉદાહરણ અને કેસ સ્ટડીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના ઈતિહાસ, સંપ્રદાયના સંતોના ઉદાહરણો અને વક્તવ્યો તેમજ તેમણે તૈયાર કરેલી પ્રાર્થનાઓ આપવામાં આવી છે અને આ પ્રાર્થનાથી સફળતા મળશે તેવું પણ કહ્યું છે. આ રીતે સોફ્ટ સ્કિલના નામે યુવાનોને વિદ્યાર્થીકાળથી જ સ્વામિનારાયણ ધર્મ શીખવવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોર્સ શીખવવા માટે કોઇ લાયકાત નક્કી કરાઈ નથી.
બીએપીએસ સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે તે સૌથી પહેલા કોલેજના પ્રોફેસરોને શીખવાડાશે અને બાદમાં પ્રોફેસર વિદ્યાર્થીઓને શીખવશે. આ ઉપરાંત કેટલાક પ્રવચનો ઓનલાઈન માધ્યમથી સંસ્થા આપશે. હાલ પ્રોફેસર માટે વર્કશોપ શરૂ કરી દેવાયા છે અને પછી વિદ્યાર્થીઓ પુસ્તકની ખરીદી કરી લે એટલે તેમને પણ શીખવવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે તા. 9-9-2022ના પરિપત્રથી IPDCના વર્કશોપની સૂચના આપી જેમાં કોર્સની મંજૂરી માટે 12-08-2022ના પરિપત્રનો સંદર્ભ આપ્યો હતો. આ પરિપત્ર ચકાસતા તેમાં 8-7-2022ના પત્રનો સંદર્ભ હતો. તે પરિપત્રમાં બીએપીએસ સંસ્થા તરફથી તૈયાર કરેલા કોર્સને મંજૂરી આપવાનો હુકમ હતો. આ મંજૂરી માટે તા. 18-06-2022ની કાર્યાલય નોંધનો સંદર્ભ ટાંકવામાં આવ્યો હતો. પણ એ દિવસની નોંધમાં ફક્ત કમ્પ્યૂટર સાયન્સના કોર્સની વિગત છે તે સિવાયની એકપણ નોંધ ઓનલાઈન મુકાઈ નથી. તેથી આ કોર્સ માટે પ્રસ્તાવ કોણે કર્યો અને ક્યાંથી આવ્યો તેમજ વિદ્યાર્થીઓને થતા ખર્ચ અને પુસ્તકો ખરીદવાની મંજૂરી કોણે આપી તે યુનિવર્સિટીએ છુપાવ્યું છે.