લખનૌઃ ગોરખપુરમાં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી મુર્તજા અબ્બાસને ખાસ એનઆઈએ કોર્ટે કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. મુર્તજા ઉપર યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને આતંકવાદી જાહેર કરાયો હતો. આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લખનૌની એનઆઈએ/એટીએસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આરોપીએ એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો.
સજાના આદેશ બાદ એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, સતત 60 દિવસ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આજે અંતિમ ચુકાદો જાહેર કર્યો હતો. આરોપીને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. જ્યારે હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને આજીવન કેદનો આદેશ કરવામાં આવ્યો છે.
એડીજીએ જણાવ્યું હતું કે, તમામ પુરાવાઓ અદાલતમાં રજુ કરવામાં આવ્યાં હતા. અદાલતે પુરાવાઓને યોગ્ય ઠરાવ્યાં હતા. પોલીસે યોગ્ય તપાસ કરીને દેશના વિરોધમાં કાવતરુ કરનારાઓને ખુલ્લા પાડ્યાં હતા. ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત પીએસી જવાનો ઉપર અહમદ મુર્તુજા અબ્બાસીએ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. તેના હાથમાંથી હથિયાર જપ્ત કરવાનો પ્રયાસ કરાયો હતો.
મેકેનિકલ એન્જિનીયરિંગમાં એમ.ટેક કરનાર મુર્તુજાએ ગોરખનાથ મંદિરમાં સુરક્ષા કરનાર બે જવાનો ઉપર હુમલો કર્યો હતો. આરોપીએ સુરક્ષા જવાનોના હાથમાંથી રાયફલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. રાયફલ આંચકીને મુર્તુજા અંધાધૂંધ ગોળીબાર કરવા માંગતો હતો. યુપી એટીએસએ કોર્ટની સુનાવણીમાં 27 સાક્ષીઓ તપાસ્યાં હતા. આરોપી તરફી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મુર્તુજા બીમાર છે અને તેની માનસિક સ્થિતિ સારી નથી. મુર્તજા ફેસબુકમાં છ એકાઉન્ટ ધરાવતો હતો. જેના મારફતે વિદેશમાં રહેલા લોકો સાથે મિત્રતા કરતો હતો. 4 એપ્રિલના રોજ ગોરખનાથ પોલીસે ફરિયાદ નોંધી હતી. જ્યારે 5મી એપ્રિલના રોજ કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. એટીએસએ યુએપીએ હેઠળ કેસ નોંધ્યો હતો.