સુરતમાં દોઢ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફરમાવી ફાંસીની સજા
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના કપ્લેથા ગામમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં સ્થાનિક અદાલતો આરોપી ઈસ્માઈલને પોક્સો સહિતની કલમ હેઠળ કસુરવાર ઠરાવીને આજે ફાંસીની સજા ફરમાવી હતી. આ ઉપરાંત પીડિત પરિવારને 10 લાખનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો.સ્થાનિક અદાલતે ઝડપી ન્યાયની પ્રકિયા પૂર્ણ કરીને પાંચેક મહિનાના સમયગાળામાં પુરાવાના ધ્યાનમાં રાખીને સજાનો આદેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામમાં રહેતા શ્રમજીવીનો નિત્ર ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત ગત 27મી ફેબ્રુઆરીના રોજ મિત્રના ઘરે ગયો હતો અને તેની દોઢ વર્ષની દીકરીને વેફર અપાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. દરમિયાન એક અવાવરુ જગ્યાએ લઈને બાળકી સાથે હેવાની ભર્યુ કામ કર્યું હતું. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી અને બનાવના બીજા દિવસે પોલીસે આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ તપાસ પૂર્ણ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ ચકચારી કેસ ખાસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલે 59 જેટલા સાક્ષીઓ તપાસીને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. તેમજ કેસને રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં ગણીને આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. સરકારપક્ષે એફએસએલના અધિકારીઓના રિપોર્ટને રજુ કરીને આરોપીના મોબાઈલમાંથી કુલ 215 જેટલી નાની ઉંમરના બાળકો પર હિંસા આચરવા, તેની હત્યા કેવી રીતે કરવી,નાભિના ભાગે ઈજા કરવા સહિતની આપત્તિજનક ઈમેજ અને ક્લીપ્સ મળી આવી હતી.જેનો અમલ કરતો હોય તેમ ઈસ્માઈલ હજાતે ભોગ બનનાર બાળકીની નાભિના ભાગે બચકાં ભરીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા મેડીકલ એવીડન્સમાં પુરવાર થયું હતુ. સ્થાનિક અદાલતે આરોપીને કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો.