અમદાવાદઃ રાજ્યની નદીઓમાં પ્રદુષણ મુદ્દે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરીને જીપીસીબીની ઝાટકણી કાઢી હતી. જેથી સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે જીપીસીબીને એક્શન ટેકન રિપોર્ટ ફાઈલ કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ આ અંગે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
કેસની હકીકત અનુસાર નદીઓમાં પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. બીજી તરફ અમદાવાદની મધ્યમાથી નીકળતી સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું હોવાની રાવ ઉઠી રહી હતી જે મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. નદીઓમાં પ્રદૂષણ અંગેની જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે GPCBની નિષ્ક્રિયતાને લઈ ઝાટકણી કાઢી છે. નદીઓમાં પ્રદૂષણની ઘણી PIL પેન્ડિંગ હોવાનું પણ કોર્ટે નોંધ્યુ હતું. એક્ટિંગ ચીફ જસ્ટિસ જણાવ્યું કે, રાજ્યની નદીમાં પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતીઅરજીઓ દાખલ થઈ રહીં છે, GPCB શું કરી રહ્યું છે?. GPCBને એક્શન ટેકન રિપોર્ટ ફાઈલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
અગાઉ નદીમાં પ્રદૂષણ મામલે અગાઉ હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં GPCBને કન્સર્ન ઓથોરિટીઓ સાથે બેઠક કરવા આદેશ કરાયો હતો. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી. આટલું પ્રદૂષણ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય તે અંગે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી ટકોર પણ કરી હતી. દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ગત મહિનાના રિપોર્ટમાં ઉલ્લેખ થયેલા છે કે, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. સાબરમતી નદીની સફાઈના તંત્રના વચનો અંગે પણ સવાલો ઉભા થયાં છે.