નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જેલમાં વકીલોને અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી સીએમ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે.
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા 1 એપ્રિલે, કોર્ટે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. હાલ સીએમ કેજરીવાલ તિહાર જેલમાં છે. AAP સંયોજકે ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે, મંગળવારે (9 એપ્રિલ) કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. તેણે બુધવારે (10 એપ્રિલ) તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
AAPએ દાવો કર્યો છે કે એક્સાઇઝ પોલિસીને કૌભાંડ ગણાવવું એ કેજરીવાલ અને તેમની પાર્ટીને ખતમ કરવાનું સૌથી મોટું રાજકીય કાવતરું છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં અરવિંદ કેજરીવાલને એવી જ રાહત આપશે જે રીતે પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને જામીન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, લીકર પોલીસીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે, તેમજ તેઓ જેલમાંથી બેઠા-બેઠા દિલ્હીની સરકાર ચલાવી રહ્યાં છે. બીજી તરફ કેજરિવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં કેજરિવાલ પ્રચાર ના કરી શકે એ માટે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.