રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ જે તે વિષયમાં ડોક્ટરેટ યાને પીએચ.ડીની ડિગ્રી મેળવવાનો ક્રેઝ વધતો જાય છે. તમામ યુનિવર્સિટીઓમાં પીએચ.ડીમાં પ્રવેશ માટે નિયત બેઠકો કરતા 10 ગણા ફોર્મ ભરાઈ રહ્યા છે. એન્જિનિયરિંગના વિદ્યાશાખાઓમાં પણ વિદ્યાર્થીઓ પીએચ.ડી કરી રહ્યા છે. સરકાર દ્વારા પણ પી.એચડીના સંશોધન કાર્ય ક્ષેત્રે સંકળાયેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવી રહી છે. પહેલા વિજ્ઞાનના અનુસ્નાતકના વધુ વિદ્યાર્થીઓ પીએચ.ડી કરતા હતા, હવે તો આર્ટ્સ, કોમર્સ સહિત જુદી જુદી ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં પીએચ.ડીનો ક્રેઝ વધ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PH.D અભ્યાસક્રમમાં એડમિશન લેવા માટે વિવિધ 28 વિષયોમાં ખાલી રહેલી કુલ 149 જગ્યાઓમાં મેરીટ પરીક્ષા માટે કુલ 377 તથા પ્રવેશ પરીક્ષા આપવા માટે કુલ 2233 મળીને કુલ 2610 ર્ફોર્મ ભરાયા હતા. વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PH.D માટે અભ્યાસક્રમમાં એડમિશન માટેની મેરીટ પરીક્ષા તથા પ્રવેશ પરીક્ષા ઓફ્લાઈન લેવામાં આવશે. જેમાં જે વિદ્યાર્થીઓએ એમ.ફીલ. કરેલું છે એ લોકોએ મેરીટ ટેસ્ટ તથા અનુસ્નાતક અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. અગાઉ જુલાઇ મહિનાના અંતમાં આ પરીક્ષા લેવા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેમાં ફેરફાર કરી હવે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં P.HD માટે જુદા જુદા 28 વિષયોમાં 149 બેઠક પર 2610 ફોર્મ ભરાયા છે જેમાં સૌથી વધુ કોમર્સ વિભાગમાં 24 બેઠક પર 491 ફોર્મ ભરવામાં આવ્યા છે. જયારે સૌથી ઓછા એપ્લાય્ડ ફિઝિક્સમાં 1 બેઠક પર 6 ફોર્મ ભરાયા છે.