Site icon Revoi.in

ઈલેક્ટ્રિક વાહનોનો વધ્યો ક્રેઝ,નવ મોટા શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા માત્ર ચાર મહિનામાં અઢી ગણી વધી

Social Share

મુંબઈ:ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી સ્વીકૃતિ અને લોકપ્રિયતા વચ્ચે દેશમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસી રહ્યું છે.છેલ્લા ચાર મહિનામાં દેશના નવ મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં અઢી ગણો વધારો થયો છે.ઉર્જા મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,છેલ્લા ચાર મહિનામાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિત નવ મોટા શહેરોમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સરકારી નીતિના ભાગરૂપે મોટા શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધારવાના પ્રયાસો ચાલુ છે.આ નિવેદન અનુસાર, ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 વચ્ચે આ નવ શહેરોમાં 678 વધારાના ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ રીતે આ શહેરોમાં હાજર જાહેર EV સ્ટેશનોની સંખ્યા વધીને 940 થઈ ગઈ છે.દેશભરમાં તેમની સંખ્યા વધીને લગભગ 1,640 થઈ ગઈ છે.

પ્રારંભિક તબક્કામાં સરકારે 40 લાખથી વધુ વસ્તીવાળા મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે.આ ક્રમમાં, ઇલેક્ટ્રિક વાહનો માટે માળખાકીય આધાર બનાવવા માટે મોટા શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.14 જાન્યુઆરીના રોજ ઉર્જા મંત્રાલયે EV ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના સંબંધિત માર્ગદર્શિકા અને સુધારેલા ધોરણો જારી કર્યા હતા.આનાથી EV ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના સંબંધિત પરિસ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.

સરકારે EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાના પ્રયાસમાં બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી (BEE), એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ (EESL), પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ અને NTPC તેમજ ખાનગી કંપનીઓ જેવી જાહેર સંસ્થાઓને જોડ્યા છે.આનાથી મોટા વિસ્તારમાં EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ બનાવવામાં મદદ મળશે અને વાહન ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો પર સ્વિચ કરવા પ્રોત્સાહિત કરશે.