Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચ આજે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે

Social Share

અમદાવાદઃપીએમઓમાં અધિકારી હોવાનું કહીને રોફ જમાવતો કિરણ પટેલ જમ્મુ-કાશ્મીરમાં પકડાયા બાદ તેણે અનેક લોકોને છેતર્યા હોવાની હકિક્ત પ્રકાશમાં આવી હતી. દરમિયાન મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે અને ટીમ શુક્રવારે મોડી રાત સુધીમાં અમદાવાદ  આવી જશે.   એક પૂર્વ મંત્રીના ભાઈનો  સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીનમાં રૂ.15 કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે  કિરણની પત્ની માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણને પણ ટ્રાન્સફર વોરંન્ટને આધારે અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહાઠગ કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા  અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીર ગઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે કાગળ પરની કાર્યવાહી પૂરી કરીને ગુરુવારે સાંજે કિરણ પટેલની કસ્ટડી મેળવી લીધી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે કહ્યું, કિરણ પટેલને લઈ ટીમ શુક્રવારે મોડી રાત સુધીમાં આવી જશે.

સૂત્રોએ વધુમાં જમાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે છેતરપિંડી આચરનારા મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવી રહ્યો છે.  આ અંગે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું કે પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવી રહી છે.