સુરત રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ બનતા અફરાતફરી સર્જાઈ, એકનું મોત અને 4 વ્યક્તિ બેભાન થયાં
અમદાવાદઃ દિવાળીના તહેવારનોને લઈને મોટી સંખ્યામાં પરપ્રાંતિય નાગરિકો પરિવાર સાથે તહેવારની ઉજવણી માટે વતન તરફ જઈ રહ્યાં છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના વિવિધ રેલ્વે સ્ટેશન ઉપર ભારે ભીડ સર્જાય છે. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રેલવે સ્ટેશન ઉપર ભીડ બેકાબુ બનતા ધક્કામુક્કી સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિ બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા.
દિવાળી અને છઠ્ઠ પુજાના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી હતી. વતન જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. ઉધના રેલવે સ્ટેશન પર ક્ષમતા કરતા વધારે ભીડ ઉમટી પડતા અફરાતફરી અને ધક્કામુક્કી સર્જાઈ હતી,જેના કારણે ચાર લોકો બેભાન થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. એક વ્યક્તિને સ્થળ પર CPR આપવામાં આવ્યું હતું. જ્યારે મહિલા સહિત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે, સારવાર દરમિયાન એક યુવકનું મૃત્યુ થયું હતું.
પરિવાર સાથે વતનમાં દિવાળીના પર્વની ઉજવણી માટે લોકો વતન જતાં હોય છે. જેના કારણે સુરત અમદાવાદ સહિતના રેલવે પ્લેટફોર્મ પર લોકોની ભીડ જોવા મળી હતી. જો કે રેલવે પ્રશાસનના અણઘડ વહિવટના કારણે સુરત રેલવે સ્ટેશન પર લોકોની જિંદગી દાવ પર લાગી હતી.ટિકિટ કન્ફર્મ હોવા છતાં પણ ભીડ અને ધસારાના કારણે પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા તો કેટલાક લોકો ચાલતી ટ્રેને પણ ભીડમાં ટ્રેનમા જીવના જોખમે ચઢવો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.