અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની સમસ્યાની બુમો ઉઠી છે. ગીર ગઢડા પંથકમાં જૂના ઉગલા ગામના પ્લોટ વિસ્તારની મહિલાઓ પાણી માટે બેડા લઈને દોઢ કિમી દૂર જાય છે. અહીં દુષિત પાણી આવતું હોવાથી સ્થાનિકો દુષિત પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી ફેલાઈ છે અને ઝડપથી શુદ્ધ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામમાં 4500થી વધારે વસતી વસવાટ કરે છે. જે પૈકી પ્લોટ વિસ્તારમાં ઉભા કરાયેલા 200 મકાનોમાં લગભગ બે હજાર વ્યક્તિઓ રહે છે. ગામમાં પીવાનું પાણી મળી રહે તે માટે હર ઘર નળ યોજના હેઠળ પાણીના નળ મુકવામાં આવ્યાં છે. પરંતુ આ નળમાં પાણી નહીં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીંઓ મહિલાઓ અને બાળકીઓ બેડા લઈને પાણી લેવા માટે ખરા તાપમાં દોઢ કિમી દૂર જાય છે, અહીં પણ તેમને શુદ્ધ પાણી ઉપલબ્ધ થયું નથી.
ઉનાળામાં પાણીનો વપરાશ વધારે રહેતો હોવાથી મહિલાઓ અહીંથી દુષિત પાણી પોતાના ઘરે લઈ જાય છે. તેમજ તેનો વપરાશ કરે છે. આ પાણી આરોગ્ય માટે નુકશાન કારક હોવા છતા અહીંના લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ અંગે તંત્ર સમક્ષ અનેકવખત રજુઆત કરવામાં આવી છે પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી. અહીં માત્ર પાણીની સમસ્યા જ નથી અહીંયા રસ્તા પણ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યાં છે તેમજ ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં છે. છતાં કોઈ જ કામગીરી થતી ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગામમાં સરપંચે દોઢ-બે વર્ષથી રાજીનામુ આપ્યું હતું બાદમાં વહીવટદારની નિમણૂંક કરાઈ હતી તે પણ અનિયમિત હોવાનું લોકો જણાવી રહ્યાં છે.