બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિવાર સાથે દર્શન કર્યાં
નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશનના આંકડાઓ પર નજર કરીએ તો આ વખતે પણ ઉત્તરાખંડ સરકારનું માનવું છે કે, આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોની સંખ્યાનો નવો રેકોર્ડ સર્જાશે.
કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરને 25 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ભક્તો કેદારનાથ ધામમાં દર્શન કરવા આસ્થા પથથી જશે. આસ્થા પથ પર બેસવા માટે બેન્ચની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, વરસાદ અને હિમવર્ષાથી યાત્રી, ભક્તોને બચાવવા માટે ખાસ રેઈન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયેન્દ્ર અજયના જણાવ્યા અનુસાર, જ્યારે બાબાની પંચમુખી ડોલી 9 મેના રોજ સાંજે 4 વાગ્યે કેદારધામ પહોંચી ત્યારે 5 હજાર લોકો હાજર હતા.
ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી યોગેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ઓનલાઈન પૂજા 30 જૂન સુધી જ થશે. જેમાં શ્રીમદ ભાગવત પાઠ માટે 51 હજાર રૂપિયા તો મહાભિષેક માટે રૂ.12 હજાર નક્કી થયા છે. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ આજે ખુલશે. જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12 મેથી દર્શન શરૂ થશે.
બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે. આ ઉપરાંત શીખોના પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબના દરવાજા 25મીએ ખુલશે. તો દ્વિતીય કેદાર શ્રી મદમહેશ્વરજીના દ્વાર 20મી મેના રોજ ખુલશે. ત્રીજા કેદાર તુંગનાથજીના દ્વાર 10મી મેના રોજ ખુલશે. પંચ બદ્રીમાં પ્રખ્યાત ભવિષ્ય બદ્રીના દરવાજા 12મી મેના રોજ ખુલી રહ્યા છે.