ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનો હાલ સરકારનો કોઈ વિચાર નથીઃ નાણા મંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા નિયંત્રણો નાખવામાં આવી રહ્યાં છે. તેમજ હજુ વધારે આકરા નિયંત્રણ લાદવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, તમામ અટકળોને ફગાલીને રાજ્યમાં હાલ આશિંક લોકડાઉનનું કોઈ આયોજન નહીં હોવાનું કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલા લેવામાં આવશે.
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરતની મુલાકાતે ગયાં હતા. જ્યાં તેમણે કોરોનાની પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકાર રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરવાના વિચારમાં નથી. જરૂરી નિયંત્રણો લાગુ કરવામાં આવશે, પરંતુ આંશિક લોકડાઉન કરવાનો સરકારનો કોઈ વિયાર નથી. જો સતર્ક રહેવામાં આવશે તો નિયંત્રણોની જરૂર પણ નહીં પડે. હોમ આઈસોલેશનમાં પણ દર્દી સ્વસ્થ થઈ જાય છે. તેથી સતર્ક રહેવાની જરૂર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર સફાળી જાગી છે. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત તા. 15મી જાન્યુઆરી સુધી તમામ સરકારી કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત 33 જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિનું નીરિક્ષણ કરવામાં પ્રભારી મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે.
(PHOTO-FILE)