મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરીકે લડાઈ કોર્ટમાં પહોંચી હતી, દરમિયાન ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું પ્રતિક ફ્રીઝ કર્યું છે. હાલ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના પ્રતિકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એનસીપીના નેતાએ શિવસેનાનું નામ અને ચિન્હ ફ્રીજ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે.
શિવસેનાના સ્થાપક દિવંગત બાલ ઠાકરેના પક્ષની રચના માટેના પ્રયાસોને યાદ કરતાં એનસીપીના નેતા એકનાથ ખડસેએ કહ્યું કે પિતાએ ઘણી મુશ્કેલીઓ સહન કરીને જે કમાવ્યું હતું તે રાજકીય લડાઈમાં દીકરો મિનિટોમાં હારી ગયો. એકનાથ ખડસેએ કહ્યું કે, બાળ ઠાકરેની અથાક મહેનતને કારણે “ધનુષ અને તીર” ચિહ્ન પ્રખ્યાત થયું હતું.
થાણે જિલ્લાના ડોમ્બિવલી ખાતે એક કાર્યક્રમને સંબોધતા એકનાથ ખડસેએ કહ્યું, “ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રતીક સાથે સત્તામાં આવ્યા હતા, પરંતુ બંને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની લડાઈમાં હવે બધું જ ખોવાઈ ગયું છે, જેના પરિણામે પ્રતીક ફ્રીજ થઈ ગયું છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”
એકનાથ ખડસેએ એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે. ત્રિપક્ષીય મહા વિકાસ અઘાડીના મુખ્ય આર્કિટેક્ટ એનસીપીના વડા શરદ પવારના કારણે જ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હતા.