બોલિવૂડના ઘણા કલાકારોના પાકિસ્તાન સાથે સંબંધ છે. બોલીવુડની એક અભિનેત્રીના પિતા પાકિસ્તાની હતા અને આ અભિનેત્રી હાલ બોલીવુડમાં ટોપની અભિનેત્રીઓમાં સામેલ છે. આ હિરોઈન બીજુ કોઈ નહીં પરંતુ તબસ્સુમ ફાતિમા હાશ્મી ઉર્ફે તબ્બુ છે. તબ્બુનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદી મુસ્લિમ પરિવારના જમાલ અલી હાશ્મી અને રિઝવાનાને ત્યાં થયો હતો. જમાલ પાકિસ્તાનમાં લોકપ્રિય અભિનેતા હતા અને તેમણે 1970ના દાયકામાં કેટલીક સારી ફિલ્મો કરી હતી. જો કે, જમાલે તબ્બુ અને તેના પરિવારને છોડ્યાં ત્યારે તબ્બુ માત્ર ત્રણ વર્ષની હતી. તબ્બુ તેની માતા સાથે રહેવા ભારત પાછી આવી. તબ્બુ શબાના આઝમી, તન્વી આઝમી અને બાબા આઝમીની ભત્રીજી અને અભિનેત્રી ફરાહ નાઝની નાની બહેન છે.
તબ્બુએ 11 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેણે દેવ આનંદની ફિલ્મ હમ નૌજવાન (1985)માં તેમની પુત્રીની ભૂમિકા ભજવી હતી. તે સમયે તબ્બુ 14 વર્ષની હતી. જ્યારે તબ્બુ મોટી થઈ, ત્યારે તેણે વેંકટેશની સામે તેલુગુ રોમેન્ટિક એક્શન ફિલ્મ કુલી નંબર 1 સાથે મુખ્ય અભિનેત્રી તરીકે તેની શરૂઆત કરી હતી. આ પછી નિર્માતા બોની કપૂરે તબ્બુને સંજય કપૂર સાથેની ફિલ્મ પ્રેમથી બોલિવૂડમાં લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ પ્રોજેક્ટમાં વિલંબ થયો અને લીડ હીરોઈન તરીકે તબ્બુની પ્રથમ બોલિવૂડ ફિલ્મ પહલા પહેલ પ્યાર (1994) બની. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. તબ્બુએ 1994ની વિજયપથમાં અજય દેવગન સાથે અભિનય કરીને ઓળખ મેળવી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો.
તબ્બુએ ચાંદની બાર, વિરાસત, દ્રશ્યમ, અંધાધૂન જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. અભિનેત્રીને બે વખત ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. 1996નું વર્ષ તબ્બુના કરિયર માટે ખૂબ જ ખાસ હતું. હકીકતમાં, તે વર્ષે તેની આઠ ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં પાંચ બોલિવૂડ (જીત, સાજન ચલે સસુરાલ, હિમ્મત, તુ ચોર મેં સિપાહી, માચીસ), એક તમિલ, એક તેલુગુ અને એક મલયાલમ ફિલ્મનો સમાવેશ થાય છે.