સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 183 થઈ
સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 183 થઈ છે. જ્યારે દક્ષિણ પૂર્વ રાજ્યોમાં વાવાઝોડાના પરિણામે હજારો લોકો ગુમ થયાના અહેવાલ છે. ઉત્તર કેરોલિનામાં 90 લોકોના મોત નીપજ્યા છે. તેમજ અનેક જગ્યાએ ખોરવાયેલા વીજ પૂરવઠાને પૂર્વવત્ કરવાની કામગીરી ચાલી રહી છે. ફ્લૉરિડાથી વર્જિનિયા સુધી 10 લાખથી વધુ લોકો પાસે વીજ પૂરવઠો ઉપલબ્ધ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન આજે ઉત્તર કેરોલિનાની મુલાકાતે છે.
તેમણે સંરક્ષણ વિભાગને ઉત્તરે કેરોલિના રાષ્ટ્રીય રક્ષકને મજબૂત કરવા માટે એક હજાર સૈનિક તહેનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સૈનિકો ખોરાક અને પાણી સહિતની મદદ પહોંચાડવામાં સહાય કરે છે. તો ડેમોક્રેટિક રાષ્ટ્રપ્રમુખ પદનાં ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ્યોર્જિયાની મુલાકાતે છે. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પે પણ ગઈકાલે જ્યોર્જિયાની મુલાકાત લીધી હતી.