ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 25 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ કેટલો સમય ચાલશે તે અત્યારે કહી શકાય તેમ નથી. ગાઝા પર ઈઝરાયેલના હુમલા ચાલુ છે. ગાઝામાં અત્યાર સુધીમાં 8500થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં જબાલિયા રેફ્યુજી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. કેમ્પ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ હુમલામાં એક એન્જિનિયરે તેના પરિવારના 19 સભ્યો ગુમાવ્યા હતા.
ઈઝરાયેલના હુમલામાં જેના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા તે એન્જિનિયરનું નામ મોહમ્મદ અબુ અલ-કુમસાન છે. મોહમ્મદ કુમસાન અલ જઝીરામાં બ્રોડકાસ્ટ એન્જિનિયર હતા. ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેના પરિવારના 19 સભ્યો માર્યા ગયા હતા. દરમિયાન ઉત્તર ગાઝામાં અતિ ગીત જબાલિયામાં શરણાર્થી શિબિર ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં 50 વ્યક્તિના મોત થયાનું મનાઈ રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું હતું કે, તેણે ઉત્તર ગાઝામાં હમાસના આતંકવાદીઓ અને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો હતો. આ માળખું આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતું હતું. અમે આતંકવાદી સુરંગો અને હમાસના શસ્ત્રોના એન્ટ્રી પોઈન્ટ પણ નષ્ટ કર્યા છે.
ગત 7 ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયલમાં હુમલો કરીને અનેક નિર્દોશોની હત્યા કરી હતી. હમાસના આ આતંકવાદી કૃત્યની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરી છે. બીજી તરફ ઈઝરાયલની સેનાએ હમાસનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમજ ઈઝરાયેલની સેના સતત હવાઈ હુમલા કરી રહી છે. યુદ્ધ પછી લગભગ 800,000 લોકોએ ઉત્તર ગાઝામાંથી સ્થળાંતર કર્યું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ 300 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો.