નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે શનિવારે કરેલા હુમલા બાદ બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના સંઘર્ષમાં મૃત્યુઆંક 1600ને વટાવી ગયો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલમાં 900 થી વધુ લોકો માર્યા ગયા, ઓછામાં ઓછા 2600 ઘાયલ થયા અને હમાસે ઘણા લોકોને બંધક બનાવ્યા. પેલેસ્ટાઈનમાં 687 લોકો માર્યા ગયા અને 3726 ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલે ગાઝાને સંપૂર્ણ ઘેરી લેવા અને ખોરાક, ઈંધણ અને અન્ય પુરવઠો રોકવા માટે કહ્યું છે. ઈઝરાયેલે અભૂતપૂર્વ પગલાં લીધા છે અને ત્રણ લાખ રિઝર્વ ફોર્સને કામ કરવા માટે બોલાવ્યા છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસ પર બાળકોની હત્યા અને અન્ય અત્યાચારનો આરોપ લગાવીને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. હમાસે કહ્યું છે કે જો પેલેસ્ટિનિયન નાગરિકોને ચેતવણી આપ્યા વિના નિશાન બનાવવામાં આવશે તો ઇઝરાયલના બંધકોને મારી નાખવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે લગભગ 1 લાખ 37 હજાર લોકોએ સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સી – UNRWA ના શિબિરોમાં આશ્રય લીધો છે. આ એજન્સી પેલેસ્ટાઈનમાં આવશ્યક સેવાઓ પૂરી પાડે છે. યુનિસેફે ચેતવણી આપી છે કે સંઘર્ષના ક્ષેત્રમાં માનવીય સ્થિતિ ઝડપથી બગડી રહી છે. યુનિસેફે બાળકો અને પરિવારોને જીવનરક્ષક સેવાઓ અને પુરવઠો મેળવવા માટે સલામત માર્ગ માટે અપીલ કરી છે.
યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરિન રશેલે સોમવારે રાત્રે યુદ્ધના તમામ પક્ષોને યાદ અપાવ્યું હતું કે આવી પરિસ્થિતિઓમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે ગાઝામાં બંધક બનાવવામાં આવેલા બાળકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે જેથી તેઓ તેમના પરિવારો અથવા સંભાળ રાખનારાઓ સાથે ફરી મળી શકે. તેમણે ગાઝામાં વીજળી, ખોરાક, બળતણ અને પાણીનો પુરવઠો બંધ કરવાના પગલાં અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આમ કરવાથી બાળકોનું જીવન જોખમમાં આવી શકે છે.