ગાંધીનગરઃ રાજ્યમાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 35 જેટલાં લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની નિષ્પક્ષ તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓમોટો દાખલ થઈ છે, બીજી બાજુ રાજ્ય સરકારે પણ એક કમિટી બનાવી છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બ્રિજના તૂટેલા અવશેષો ટ્રકભરીને એફએસએલ તપાસ માટે ગાંધીનગર લવાયા છે. જેમાં મોટાભાગના અવશેષો કટાઈ ગયેલા જોવા મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના મોરબી જિલ્લામાં સર્જાયેલી કરુણાંતિકાના આરોપીઓને કડક સજા થાય એ માટે રાજ્યના પોલીસવડાએ તપાસને નેક્સ્ટ સ્ટેપમાં લઈ જવા તૈયારી કરી દીધી છે. એક ટ્રક ભરીને મોરબીથી બ્રિજના અલગ અલગ ભાગ અને પુરાવા એકત્ર કરાયા બાદ તેને તપાસ માટે ગાંધીનગર એફએસએલમાં લવાયા છે. જોકે એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં તો બેદરકારી સામે આવી છે, પણ હવે મુખ્ય રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં સ્પષ્ટ વિગતો પ્રકાશમાં આવશે. આ કેસમાં ઘણા સંભવિત આરોપીઓના ઘર અને ઓફિસના સ્થળ પર સર્ચ-આપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મોરબી દુર્ઘટની તપાસ માટે તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મહત્ત્વના મુદ્દાની તપાસ પણ કરવામાં આવી રહી છે. અને દુર્ઘટનામાં બચી ગયેલા લોકોનાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ જિલ્લા કલેક્ટર પાસે બ્રિજના કેટલાક ડોક્યુમેન્ટ માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સીટની તપાસ દરમિયાન ઘણાં ચોંકાવનારાં તથ્યો સામે આવી રહ્યા હોવાનું કહેવાય છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે, મોરબી ઝૂલતા પુલની હોનારત થયા બાદ ગુજરાત પોલીસ અને એફએસએલ દ્વારા બનાવના સ્થળ અને બ્રિજના એક ટ્રક ભરાય તેટલા અવશેષો એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં જે જગ્યાએથી બ્રિજ તૂટ્યો તે રોપ, દોરડા, બોલ્ડ, લિંક મટીરિયલ તમામ વસ્તુ સાથે કોઈ રીપેરિંગ કામ થયું હતું નહીં અને દરેક જગ્યાએ કાટ લાગેલો હોવાનું સામે આવ્યું છે. જેથી એ બ્રિજ ઉપર કેટલા લોકો કેટલા સમય સુધી રહી શકે તે જ એક પ્રશ્ન હતો. તેમ છતાં સામાન્ય રંગ રોગાન કરીને આ બ્રિજને પબ્લિક માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે બ્રિજ ઉપર માત્ર સ્ટીલના બ્લોક મૂક્યા હતા. (file photo)