1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષણ બોર્ડની તા.25મીએ યોજાનારી ચૂંટણીમાં મતદાન માટે પ્રમાણપત્રનો નિર્ણય અંતે પરત લેવાયો
શિક્ષણ બોર્ડની તા.25મીએ યોજાનારી ચૂંટણીમાં મતદાન માટે પ્રમાણપત્રનો નિર્ણય અંતે પરત લેવાયો

શિક્ષણ બોર્ડની તા.25મીએ યોજાનારી ચૂંટણીમાં મતદાન માટે પ્રમાણપત્રનો નિર્ણય અંતે પરત લેવાયો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા માટે શાળામાંથી પ્રમાણપત્ર લાવવા માટેનો નિર્ણય  ભારે વિરોધ થતાં બોર્ડે પરત લઈ લીધો છે. હરીફ ઉમેદવારોની રજૂઆત તેમજ ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોર્ડે મતદાનના દિવસે શાળામાં હોદ્દો ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર નહી લેવાની જાહેરાત કરી છે. જેથી હવે મતદારો મતદાન માટે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ફોટા સાથેના ઓળખપત્રનો ઉપયોગ કરીને મતદાન કરી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 25મીએ મતદાન યોજાશે. મતદાનને લઈને બોર્ડ દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ પરિપત્ર કર્યો હતો. જેમાં મતદારો માન્ય ઓળખકાર્ડની મદદથી મતદાન કરી શકે તેમ જણાવાયું હતું. જોકે, ત્યારબાદ 20 સપ્ટેમ્બરના રોજ મતદાનને આડે પાંચ દિવસ બાકી હતા ત્યારે મતદારોએ મતદાન માટે જે તે શાળાના આચાર્ય અથવા સંચાલક પાસેથી મતદાનના દિવસે તેઓ શાળામાં હોદ્દો ધરાવે છે તે અંગેનું પ્રમાણપત્ર લાવવા માટે પરિપત્ર કર્યો હતો. આમ, બોર્ડ દ્વારા છેલ્લી ઘડીએ કરવામાં આવેલા પરિપત્રને લઈને ઉમેદવારોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ મુદ્દે ઉમેદવારોએ બોર્ડ સમક્ષ રજૂઆત પણ કરી હતી. જેમાં છેલ્લા સમયે કરવામાં આવેલા ફેરફારના પગલે અનેક મતદારો મતદાનથી વંચિત રહી જાય તેમ હોવાનું પણ જણાવાયું હતું. આમ, બોર્ડ સમક્ષ ઉમેદવારોએ રજૂઆત કરતા બોર્ડ દ્વારા તેમને પરિપત્રમાં ફેરફાર કરવાની ખાતરી આપી હતી.

દરમિયાન મંગળવારે શિક્ષણ બોર્ડ દ્વારા મતદાનને લઈને ફરી પરિપત્ર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, શાળાના પ્રમાણપત્રના આધારે મતદાનના આદેશ બાદ હરીફ ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મતદાનના દિવસો નજીક હોવાથી આ જોગવાઈનો અમલ ન કરવા જણાવાયું હતું. જેથી બોર્ડ દ્વારા સામાન્ય ચૂંટણીઓ માટેની તારીખ નજીક હોઈ મતદાન માટે પ્રમાણપત્રની જરૂરીયાત રહેશે નહી તેવી જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ પરિપત્રમાં ઓળખના જે પુરાવા દર્શાવ્યા હતા તેની મદદથી મતદાર મતદાન કરી શકશે તેમ જણાવાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code