અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસમાં પણ નેતાગીરી પરિવર્તનનો સળવળાટ શરૂ થયો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી નિમાયા બાદ હવે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાને બદલવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ હાઇકમાન્ડે શનિવારે જ દિલ્હી બોલાવી લીધા હતા. દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં પક્ષના તમામ રાષ્ટ્રીય સ્તરે વરિષ્ઠ નેતાઓ હાજર રહીને પક્ષની બાબતે ચર્ચા કરતાં હોય છે. આ બેઠકમાં આ નિર્ણય લેવાયો હોય તેવુ માનવામાં આવી રહ્યુ છે. જિગ્નેશ મેવાણીને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ આપવામાં આવે તેવી પણ કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, નરેશ રાવલ, મનહર પટેલ, જગદિશ ઠાકોર સહિત ઘણા નામોની ચર્ચા ચાલી હતી. જો નવા નેતાની પસંદગી કરવામાં આવે તો કોંગ્રેસના જુના જોગીઓ નારાજ થાય તેમ છે. કોંગ્રેસના કેટલાંક સિનિયર નેતાઓ માને છે કે પીઢ નેતાને જ કોંગ્રેસ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હોય અને હાર્દિક તથા જિગ્નેશને આ નિર્ણયની જાણ કરવા માટે બોલાવાયા હોય તેવી પણ શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ભાજપે હાલમાં જ આખી સરકાર બદલીને ભૂપેન્દ્ર પટેલની સરકાર બનાવી છે. એવામાં કોંગ્રેસમાં પણ પટેલ પ્રદેશ પ્રમુખ હશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના અમુક મતો કોંગ્રેસને મળી શકે છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના પદ માટે સિનિયર નેતાઓની જ પસંદગી કરવામાં આવે છે.. એવામાં યુવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં આવે તો કાર્યકર્તાઓમાં પણ નવો આવે અને નવા પ્રાણ ફૂંકાઈ શકે તેમ છે.
ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કોંગ્રેસપક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સર્વે પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તો કોંગ્રેસનો ગુજરાતમાં 25 વર્ષના વનવાસ પૂરો કરાવી શકશે કે નહીં એ સૌથી મોટો પડકાર રહેશે.