Site icon Revoi.in

દસ્તાવેજની નોંધણી વખતે BU કે પ્લાનની કોપી માગવાનો નિર્ણય ભારે વિરોધ બાદ રદ કરાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં દસ્તાવેજોની નોંધણી પારદર્શક બનાવીને નોંધણી વખતે બીયુ પરમિશન તેમજ પ્લાનની કોપી માંગવામાં આવે છે. જેના લીધે દસ્તાવેજ કરનારા અરજદારોની ખૂબજ મુશ્કેલી પડતી હતી. કારણે વર્ષો જુના મકાન ધારકો પાસે બીયુ પરમિશન કે પ્લાનની કોપી હોય નહી, એટલે આવા મકાનો વેચવામાં પણ મુશ્કેલી પડતી હતી. ઘણાબધા વકિલોએ પણ આ સંદર્ભે મહેસુલ મંત્રીને રજુઆતો કરી હતી. આખરે દસ્તાવેજ કરતી વખતે બીયુ પરમિશન કે પ્લાનની કોપી માગવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં દસ્તાવેજની નોંધણી વખતે બીયુ પરમીશન અને પ્લાનની કોપી માગવા અંગે તાજેતરમાં નોંધણી સર નિરીક્ષક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર બાદ દસ્તાવેજની નોંધણીમાં પ્રજાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી આ બાબતે રાજ્યના મહેસૂલમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે મહેસૂલ મંત્રી દ્વારા દસ્તાવેજની નોંધણી વખતે બિન ખેતી હુકમ, બીયુ પરમીશન અને મંજુર લે આઉટ પ્લાન ફરજિયાતના બદલે  મરજિયાત ગણવા અંગે અધિકારીઓને સુચના આપી હતી. આમ, દસ્તાવેજ નોંધણી વખતે હવે બીયુ પરમીશન કે પ્લાનની કોપી માંગવામાં આવશે નહીં.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નોંધણી સર નિરીક્ષક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં દસ્તાવેજ નોંધણી વખતે બિનખેતીના હુકમની તથા બીયુ પરમીશન તેમજ મંજૂર લે આઉટ પ્લાન વગેરેની માંગણી કરવામાં આવી હતી. આ પરિપત્રના અનુસંધાને દસ્તાવેજની નોંધણી સમયે પ્રજાને પડતી મુશ્કેલીઓ બાબતે મહેસૂલ મંત્રી તથા કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં વિવિધ અધિકારીઓ ઉપરાંત વિવિધ એસો.ના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાજેતરમાં અમલમાં આવેલી રજિસ્ટ્રેશન સુધારા તથા નવા ફોર્મ નં-1ના કારણે દસ્તાવેજની નોંધણી સમયે પ્રજાને ખુબ જ મુશ્કેલીઓ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે નવીનિકરણ ફોર્મ નંબર-1માં બિન ખેતીના હુકમની, બીયુ પરમીશન તથા મંજુર લે આઉટ પ્લાન વગેરેની માંગણી કરવામાં આવેલી હતી તે બાબતે મહેસૂલ મંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.

મહેસૂલ મંત્રીએ પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને દસ્તાવેજ નોંધણી વખતે બિનખેતીના હુકમ, બીયુ પરમીશન તથા મંજૂર લે આઉટ પ્લાન વગેરે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત ગણવાના રહેશે તેવી સુચના જે તે વિભાગના અધિકારીઓને આપી હતી. ઉપરાંત ચેક લીસ્ટ બાબતે થયેલી રજૂઆતનો પણ બે દિવસમાં વ્યવહારૂ નિકાલ કરવા માટે અધિકારીઓને સુચના આપી હોવાનું જાણવા મળે છે. આમ, મહેસૂલ મંત્રી દ્વારા દસ્તાવેજની નોંધણી વખતે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.