મોરબીના માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય, ખેડૂતોમાં ચિંતા વધી
- તમામ જણસીઓની હરાજી બંધ રહેશે
- માવઠાની આગાહીને લઈને નિર્ણય લેવાયો
- ખેડૂતોની ચિંતામાં વધારો
મોરબી: છેલ્લા બે દિવસથી રાજ્યમાં તડકા વગરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આવામાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. આ પ્રકારની આગાહીની અસર મોરબીમાં જોવા મળી છે કે જ્યાં આગાહીને ધ્યાનમાં રાખી તમામ જણસીની હરાજીને રોકી દેવામાં આવી છે.
મોરબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે,તા. 19થી 21 સુધી હવામાન વિભાગની અતિ ભારે વરસાદ અને ઝડપી પવનની આગાહીને ધ્યાનમાં લઈને માર્કેટ યાર્ડમાં આવતી અનાજ વિભાગની તમામ જણસીઓની હરાજી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે,જે આગાહીને ધ્યાનમાં લઈને ખેડૂત ભાઈઓએ પોતાના માલ લઈને યાર્ડમાં ન આવવું.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગની તમામ જણસીઓની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, તો વરસાદ દરમિયાન જણસ ન બગડે તે માટે તેનો નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતો પર કાંઈકને કાંઈક તો આફત આવતી જ રહેતી હોય છે. ક્યારેક કૂદરત સાથ ન આપે તો ક્યારેક પાકનો યોગ્ય ભાવ ન મળે, આ પ્રકારની મુશ્કેલી સહન કરીન પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને લોકોનું પેટ ભરી રહ્યા છે. પણ જાણકારી અનુસાર કેટલાક ખેડૂતો એવુ પણ કહી રહ્યા છે કે આ વખતે યોગ્ય પ્રમાણમાં ભાવ મળ્યો છે જેના કારણે તેમને થોડી વધારે રાહત રહેશે.