Site icon Revoi.in

રાજ્યમાં ધોરણ 9થી11 માટે ઓફલાઇન સ્કૂલો શરૂ કરવા બે-ચાર દિવસમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે ધો.12ની શાળાઓ તેમજ કોલેજોમાં વિક્ષણ કાર્ય પૂર્વવત બની રહ્યું છે. જોકે હજુ ધોરણ 9થી 11ની શાળાઓને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી મળી નથી. ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શાળા શરૂ કરવા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ મુદ્દે કોર કમિટીમાં ચર્ચા થાય તેવી શક્યતા રાજ્ય સરકારનાં સત્તાવાર સૂત્રોએ વ્યકત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજોમાં જ શૈક્ષણિક કાર્ય આપવાનું તા. 15 જુલાઈથી હાથ ધરાયું છે. આ સાથે ઓનલાઇન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મોડ પણ ચાલુ છે ત્યારે રાજ્ય સરકાર ધો.9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવાની ગતિવિધિ હાથ ધરે તેવી સંભાવના છે. સરકારે જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર સહિત કોવિડની એસઓપીના પાલન સાથે ચાલુ કરવાની મંજૂરી આપી છે. આથી હવે ધો.9થી 11ની શાળા ચાલુ કરવા માટે ચાલુ સપ્તાહે નિર્ણય કરાય તેવી શક્યતા છે.

બીજી તરફ સ્કૂલ સંચાલકો ધોરણ 9થી 12 શરૂ કરવા દરેક જિલ્લા કલેક્ટરને આવેદન આપશે. સ્કૂલ સંચાલકો રજૂઆત કરશે કે સરકાર જો ટ્યૂશન ક્લાસીસમાં ધો. 9થી 12 માટે મંજૂરી આપી શકે છે તો સ્કૂલોને પણ આપવી જોઈએ. દરેક જિલ્લા સંઘ પોતાના જિલ્લાના કલેક્ટરને ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવા માટેની રજૂઆત કરશે. આ પહેલાં સંચાલકોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી.