ટ્રક-ટ્રાન્સપોર્ટરોની જીદને લીધે અલંગ સ્ક્રેપ યાર્ડમાં ત્રણ દિવસ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય
ભાવનગર: દુનિયાના સૌથી મોટાં જહાજવાડામાં ટ્રક હડતાળને કારણે ઉત્પાદન બંધ કરવાનો વખત આવ્યો છે. ટ્રકમાલિકો અને રિરોલીંગ મિલો વચ્ચે જીસકા માલ ઉસકા હમાલના મુદ્દે સમાધાન નહીં થતા આખરે જહાજ ભાંગનારા માલિકોને નાછૂટકે ત્રણ દિવસ ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરવી પડી છે.
શિપ રિસાઇક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસોસીએશનના સભ્યોની બેઠક શનિવારે મળી હતી. કામદારોની સલામતી અને પ્લોટમાં પડેલા માલ સામાનની સુરક્ષા માટે તા. 9થી 11 એમ ત્રણ દિવસ અલંગમાં કટિંગનું કામકાજ સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બે અઠવાડિયાથી અલંગ-સોસિયા વિસ્તારમાં ભાડાં વધારવા બાબતે ટ્રાન્સપોર્ટરોની હડતાળ ચાલુ છે. જેના કારણે આ વિસ્તારમાંથી માલસામાનનું પરિવહન થતું નથી. શીપ બ્રેકરો તો એક્સફેક્ટરી માલ વેંચતા હોય છે એટલે તેમને સામાનના ભાડાં સાથે કશું લાગતું વળગતું નથી.જો ટ્રકભાડાં વધે તો એમાં કોઇ સમસ્યા સંગઠનને નથી. છતાં સુખદ નિરાકરણ માટે શીપ રિસાઇક્લિંગ એસો.ના હોદ્દેદારો દ્વારા ટ્રાન્સપોર્ટરો તથા શિહોર, અમદાવાદ અને રાજ્યના બીજા રીરોલીંગ ઉત્પાદકોના સંગઠન સાથે બેઠક કરીને ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ બેઠકમાં તેઓ ચર્ચા માટે જ નહીં આવતા ઉકેલ આવ્યો નથી. હડતાળને કારણે શીપ બ્રેકરોને તેમજ બીજા અનેક નાના વેપારીઓને અને ઉદ્યોગકારોને મોટું નાણાકિય નુક્સાન થઇ રહ્યું છે. ટ્રાન્સપોર્ટરોને કારણે ઉદ્યોગ અત્યારે તો અટકી ગયો છે. છેલ્લાં દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય મંદી, કોરોના, પરપ્રાંતિય કામદારોનું સ્થળાંતર, ઓક્સિજનની તંગી વગેરેને કારણે ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન આ ઉદ્યોગ નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે.