Site icon Revoi.in

દિલ્હી હાઈકોર્ટે રૂ. 2000ની નોટો પરત ખેંચવા અંગેની પીઆઈએલને ફગાવી

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પરત ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી ફગાવી દીધી હતી. અગાઉ આ અરજી પર ચુકાદો 30 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. અરજદાર રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી કે આરબીઆઈ પાસે 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પરત ખેંચવાની કોઈ સત્તા નથી અને માત્ર કેન્દ્ર સરકાર જ આ અંગે નિર્ણય લઈ શકે છે.

તેમણે અરજીમાં કહ્યું હતું કે, આરબીઆઈ પાસે કોઈપણ મૂલ્યની બેંક નોટોના વિમુદ્રીકરણને નિર્દેશિત કરવાની સ્વતંત્ર સત્તા નથી. આ સત્તા વર્ષ 1934ના આરબીઆઈ એક્ટની કલમ 24(2) હેઠળ કેન્દ્ર સરકાર પાસે જ છે. અરજીનો આરબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવી એ ‘ચલણ વ્યવસ્થાપન ડ્રાઈવ’નો એક ભાગ છે અને તે આર્થિક આયોજનની બાબત છે.

આરબીઆઈએ 19 મેના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હાલની નોટો બેંક ખાતામાં જમા કરાવી શકાશે અથવા 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. આ પહેલા હાઈકોર્ટે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે RBI અને SBIની નોટિફિકેશન કોઈપણ પુરાવા વિના રૂ. 2,000 ની નોટો બદલવાની મંજૂરી આપનારી છે અને ભ્રષ્ટાચારને રોકવા માટેના કાયદાની વિરુદ્ધ છે. આ અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે નાગરિકોને અસુવિધા ન થાય તે માટે આવું કરવામાં આવ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે તે કોઈપણ નીતિગત નિર્ણય પર અપીલ અધિકારી તરીકે કામ કરી શકે નહીં