નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય ભારતીય રિઝર્વ બેન્ક સાથે વ્યાપક ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો અને નોટબંધી પહેલા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.
નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓના જવાબમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. આમાં, કેન્દ્ર સરકારે કહ્યું, “નોટબંધી એ એક મોટી વ્યૂહરચનાનો ભાગ હતો અને નકલી ચલણ, ટેરર ફંડિંગ, કાળું નાણું અને કરચોરીની સમસ્યાઓનો સામનો કરવા માટે એક અસરકારક ઉપાય હતો.” પરંતુ તે માત્ર આટલા સુધી સીમિત ન હતું. પરિવર્તનકારી આર્થિક નીતિના પગલાઓની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું હતું.
આ મામલાની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેંચ કરી રહી છે અને હવે આગામી સુનાવણી 24 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વિશેષ ભલામણ પર લેવામાં આવ્યો હતો અને આરબીઆઈએ તેના અમલીકરણ માટે ડ્રાફ્ટ પ્લાનનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. બેન્ચ કેન્દ્રના 8 નવેમ્બર, 2016ના નોટબંધીના નિર્ણયને પડકારતી 58 અરજીઓની સુનાવણી કરી રહી છે. મોદી સરકારની નોટબંધીના નિર્ણયનો જે તે વખતે વિરોધ કરાયો હતો.