દહેરાદૂન- ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થઈ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ અંગેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રંજના દેસાઈના નેતૃત્વમાં રચાયેલી સમિતિ આગામી દિવસોમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને રિપોર્ટ સોંપી શકે છે. જેને લઈને રાજ્યમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની પણ તૈયારી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, દિવાળી પછી, ધામી સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે, ત્યારબાદ આ રિપોર્ટને વિધાનસભામાં મૂકવામાં આવશે અને પછી તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. જો આમ થશે તો ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બનશે જ્યાં કોમન સિવિલ કોડ લાગુ કરવામાં આવશે.
ભાજપ હંમેશા દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવાના સમર્થનમાં રહ્યું છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પુષ્કર ધામીએ જાહેરાત કરી હતી કે, જો રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર આવશે તો તેઓ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. ચૂંટણીમાં જીત બાદ, ધામી સરકારે 27 મે 2022ના રોજ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી,
રચવામાં આવેલી આ સમિતિ કે જેમાં ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, બાદમાં સભ્ય સચિવને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ અત્યાર સુધીમાં ત્રણ વખત લંબાવવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ફરી એકવાર સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવવા માંગે છે. જો આ કાયદો ઉત્તરાખંડમાં લાગુ થશે તો ભાજપ તેનો ઉપયોગ કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્યોમાં તેની સિદ્ધિ તરીકે કરશે.
આસાથે જ UCC રિપોર્ટ મળ્યા બાદ, ધામી સરકાર તેને ગૃહમાં રજૂ કરતા પહેલા કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય પણ લઈ શકે છે જેથી તેને લાગુ કરતી વખતે કોઈ મુશ્કેલી ન આવે. કોમન સિવિલ કોડમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવી શકે છે. આ અંતર્ગત હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અથવા કોઈપણ ધર્મની મહિલાઓને તેમના પરિવાર અને માતા-પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. તેમજ છોકરીઓની લગ્નની ઉંમર પણ એકવીસ વર્ષ સુધી વધારી શકાય છે.