સુરતઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, છતાં સરકારે લોકડાઉન જાહેર નથી કર્યુ ત્યારે હવે વેપારી મંડળો સ્વૈચ્છાએ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. શહેરમાં શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહિત તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.ફોસ્ટાએ પણ નિર્ણય લીધો છે કે, સંક્રમણને જોતા બે દિવસ સ્વયંભૂ માર્કેટ બંધ રાખવામાં આવે.ચેમ્બર દ્વારા પણ બે દિવસ ઘર બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે.
શહેરમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. બીજીબાજુ હીરા બજારમાં ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જરૂર છે. ત્યારે શહેરના વિવિધ વેપારી એસો. દ્વારા બે દિવસના લોકડાઉનનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખે જણાવ્યુ હતું કે, વર્તમાન સમયની વિકટ સ્થિતિ જોતા કોરોનાની ચેઈન તોડવી ખુબ જ જરૂરી છે. જેના માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકડાઉન જ એક આખરી ઉપાય છે. બીજી તરફ દલાલભાઈઓ અને હીરા બજારમાં કાર્યરત હીરાના વેપારીઓની રોજીરોટીનો પણ સવાલ છે. જેથી ઉપરોક્ત બંને બાબતોને ધ્યાનમાં રાખીને અત્યંત બેલેન્સ જાળવી શનિ રવિ એમ બે દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ફોસ્ટા દ્વારા આજે પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્તમાન પરિસ્થિતિને જોતા શનિવાર અને રવિવારના રોજ તમામ કાપડ માર્કેટ બંધ રાખવામાં આવે. સ્વૈચ્છિક લોકડાઉન અંતર્ગત ફેલાતા કોરોનાને અટકાવવાના ભાગ રૂપે નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કોરોનાની ચેઈન તોડી શકાય.