ભાવનગરઃ રાજ્યમાં આરોગ્ય પાછળ સરકાર દ્વારા વર્ષે દહાડે કોરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે પણ દર્દીઓને પુરતી તબીબી સેવાઓ મળતી નથી. હોસ્પટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી હોય છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલોના બિલ્ડિંગોની હાલત પણ એટલી સારી હોતી નથી. જિલ્લાના સિહોરની સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ એટલું બધુ જર્જરિત બની ગયું છે, કે હવે તો દર્દીઓ પણ બિલ્ડિંગમાં જતાં ડર અનુભવી રહ્યા છે. આથી હોસ્પિટલ રિનોવેશન ઝંખે છે.
સિહોરની સરકારી હોસ્પિટલ એ સી.એચ.સી. તરીકે ઓળખાય છે.તાલુકા લેવલનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અહીં અકસ્માતની કોઇ ઘટના ઘટે કે વિવિધ રસી કે સારવાર અર્થે લોકો રોજ 24 કલાક અને સાતેય દિવસ આવતા હોય છે. પરંતુ આ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત બની ગયું છે. છત પરના પોપડા પડી જવાથી સળિયા બહાર ધસી આવ્યા છે.આ પોપડા અનાયાસે કોઇ દર્દી પર પડયા હોય તો ? આ અંગે જવાબદાર કોણ ? આજે આરોગ્ય સેવાઓ બહુ ખર્ચાળ બની ગઇ છે. આ અંગે હોસ્પિટલના સત્તાધિશોએ અવાર-નવાર તંત્રનું ધ્યાન દોરીને બિલ્ડિંગની તાકિદે મરામત કરવામાં આવે તેવી માગ કરી છે. પરંતું સરકારી લેવલે કોઈ સાંભળતું જ નથી.
સિહોર શહેર ઉપરાંત તાલુકાના 78 ગામોના દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે. અને હોસ્પિટલમાં દર્દીઓની આવ-જા રહેતી હોય છે. પરંતુ આ બિલ્ડિંગ જર્જરીત બની જતાં અહીં આવતા દર્દીઓ માટે જાનનું વધી ગયું છે. આથી સરકાર દ્વારા આ બિલ્ડિંગનું સત્વરે રિનોવેશન હાથ ધરાઇ અથવા આ બિલ્ડિંગને અધતન બનાવવા માટે જરૂરી પગલાં લેવાઇ તેવી લોકમાંગ ઊઠવા પામી છે.