ભુજ : કચ્છના ભૂજ શહેરને જેના પરથી આગવું નામ મળ્યું છે એ ઐતિહાસિક ભુજિયા ડુંગર પર બિરાજતા ભુજંગદાદાના સ્થાનકે શ્રાવણી પાંચમે પરંપરાગત લોક મેળો યોજાય છે. આ વર્ષે કોરોનાકાળને લીધે લોકમેળો સત્તાવારરીતે યોજાયો નહતો પણ માત્ર ઔપચારિક રીતે શાત્રોકતવિધિ કરવામાં આવી હતી. ભુજિયો ડુંગર અને કિલ્લો દાયકાઓ સુધી સલામતી દળ હસ્તક રહ્યા બાદ હવે મુકત કરી દેવાયા છે પણ ઐતિહાસિક એવી આ ધરોહરને’ સંભાળવાની કોઇ જ તંત્રએ જવાબદારી સ્વીકારી નથી. પરિણામે અસલ ગઢ-પ્રવેશદ્વાર ફરતે ખુલ્લી જમીન પર પગથિયાં એ બધા જ એટલી હદે જર્જરિત છે કે, એકાદ ઠેલો લાગતાં જ ગબડી પડે છે.
ઐતિહાસિક ભુજિયા ડુંગર પર બિરાજતા ભુજંગદાદાના સ્થાનકે અનેક ભાવિકો દર્શન માટે આવે છે. ઐતિહાસિક એવી આ ધરોહરને’ સંભાળવાની કોઇ જ તંત્રએ જવાબદારી સ્વીકારી નથી, અવાવરુ અને અનૈતિક કામો માટે ખૂબ સલામત થઇ ગયેલી આ જગ્યા આમ જોવા જઇએ તો ભૂકંપ દિવંગતોની યાદમાં નિર્માણ પામતા `સ્મૃતિ વન’ થકી ખૂબજ મહત્ત્વની છે પણ એ નિર્માણકાર્યની પાછળ જ જાણે `દીવા તળે અંધારું’હોય તેવી સ્થિતિ છે. ગાંડો બાવળ, સપાટ અને સતત રેતી ખેરવતા પગથિયાં અને હાથ અડકતાં જ પડતા ગઢના પથ્થરો નાના બાળકો, મહિલાઓ માટે’ જોખમી છે. જો ભૂજ નગરપાલિકા કે માર્ગ મકાન વિભાગ કે ભાડા કે કોઇપણ સરકારી તંત્ર આ મસમોટી જગ્યાનો સદ્ઉપયોગ કે રખરખાવ ન કરી શકતા હોય તો કમસે કમ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી જાગૃતોની માંગ છે.