Site icon Revoi.in

પતિ અને બે પત્ની વચ્ચેનો વિવાદ કાઉન્સેલરની મદદથી ઉકેલાયો, 3-3 દિવસ 2 પત્નીઓ સાથે રહેશે

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પતિ અને બે પત્ની વચ્ચેનો અનોખો કરાર ચર્ચામાં છે. ગુરુગ્રામ (હરિયાણા)માં પોસ્ટેડ એક સોફ્ટવેર એન્જિનિયર પરિણીત હોવા છતાં મહિલા કર્મચારીના પ્રેમમાં પડી ગયો હતો. તેમજ બેચલર હોવાનો ડોળ કરીને પહેલેથી જ પરિણીત એન્જિનિયરે તેની સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. થોડા મહિના લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા અને પછી લગ્ન કરી લીધા હતા. બીજી તરફ રિસામણે માતા-પિતાના ઘરે બેઠેલી પતિને શોધતી ગુરુગ્રામ આવી પહોંચી હતી. અહીં પતિએ બીજા લગ્ન કર્યાનું માલુમ પડતા પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમજ પરિણીતાએ ખોટી રીતે બીજા લગ્ન કરનાર પતિ સામે ગ્વાલિયર સ્થિત ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણનો કેસ દાખલ કરવાનું વિચારતી હતી. દરમિયાન કાઉન્સેલર હરીશ દીવાને મહિલા અને પતિ બંનેને બોલાવી કાઉન્સેલિંગ દ્વારા અનોખો સમાધાન કરાવ્યું હતું.

ગ્વાલિયરની એક 28 વર્ષની યુવતીના લગ્ન 5 વર્ષ પહેલા સોફ્ટવેર એન્જિનિયર સાથે થયા હતા. લગ્ન પછી બંનેને એક પુત્ર થયો હતો. પતિ-પત્ની લગભગ 2 વર્ષ સુધી સાથે રહ્યા હતા. જ્યારે વર્ષ 2020 માં લોકડાઉન લાગુ થયું હતું, તે સમયે પત્નીને તેના માતા-પિતાને ઘરે પતિ મુકી આવ્યો હતો. આ દરમિયાન એન્જિનિયર પતિનું દિલ તેની સાથે કામ કરતી યુવતી પર આવી ગયું હતું. પોતાને બેચલર ગણાવતા, એન્જિનિયરે પોતાની મહિલા કર્મચારી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું અને થોડા મહિના પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. પુરુષને તેની બીજી પત્નીથી એક પુત્રી હતી. બીજી તરફ, લોકડાઉન ખતમ થયા પછી પણ જ્યારે પતિ તેને લેવા ન આવ્યો ત્યારે તેના પિયરે બેઠેલી પહેલી પત્નીને શંકા ગઈ હતી. લાંબી રાહ જોયા બાદ પહેલી પત્ની ગુરુગ્રામ પહોંચી, જ્યાં તેને તેના પતિના બીજા લગ્નની ખબર પડી. બીજી પત્ની પણ એ જાણીને ચોંકી ગઈ કે તેનો પતિ પહેલેથી જ પરિણીત છે. ગુરુગ્રામમાં પતિ અને બે પત્નીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પહેલી પત્ની ગુસ્સે થઈ ગઈ અને કેસ દાખલ કરવા ગ્વાલિયર પહોંચી.

કાઉન્સેલિંગ દરમિયાન કાઉન્સેલરે પતિ-પત્ની અને બીજી પત્નીના વિવાદ ઉકેલવા પ્રયાસો શરૂ કર્યાં હતા. એન્જિનિયર પતિએ બંને પત્નીઓને ગુરુગ્રામમાં જ અલગ-અલગ ફ્લેટ અપાવ્યો છે. કરાર અનુસાર પતિ પ્રથમ પત્ની સાથે 3 દિવસ રહેશે અને બીજી પત્ની સાથે 3 દિવસ વિતાવશે. એક દિવસ તે પહેલી પત્નીના ઘરે અને બીજા દિવસે બીજી પત્નીના ઘરે ભોજન લેવા જશે. પોતાના ખર્ચાઓ બાદ પતિ બાકીનો પગાર બે પત્નીઓ વચ્ચે અડધા ભાગમાં વહેંચી દેશે. રવિવારે પતિ પોતાની ઈચ્છાનો સ્વામી બનશે. રવિવારે બંને પત્નીઓનો તેમના પતિ પર કોઈ અધિકાર રહેશે નહીં. 2 પત્નીઓ વચ્ચે પત્નીના આ અનોખા ભાગલાએ ચર્ચાનો વિષય બન્યો છે.