બોટાદઃ વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને રોજબરોજ મોટા સંખ્યામાં ભાવિકો આવે છે. હનુમાનજી દાદાને કાર્તિક પૂર્ણિમાં નિમિતે શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનદાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર તેમજ સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. તથા સાંજે ષોડશોપચાર પૂજન, મારૂતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને કાર્તિક પૂર્ણિમાં નિમિતે તા.19ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજનદેવને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર અને સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને મંગળા આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા અને સવારે 7 ક્લાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાંજના 5:30 થી 6:50 સુધી શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ષોડશોપચાર પૂજન કરી પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. અને મંદિરની યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્તિકી પૂર્ણિમાંના દિને મોટી સંખ્યામાં ભાવિકો દાદાના દર્શન માટે આવ્યા હતા. હનુમાજી દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર એવં સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકો રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હજારો ભકતોએ આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવી હતી. (ફોટોઃ સૌજન્ય સાળંગપુર મંદિર)