Site icon Revoi.in

પરિવારના ત્રણ નાના ભુલકાઓને ભૂલી સમરસમાં અવિરત સેવા આપતું ડોક્ટર દંપતી

Social Share

અમદાવાદઃ ડોક્ટરનો સાચો ધર્મ દર્દીઓની સારવાર અને તે ઝડપથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે જ પ્રાથમિકતા હોઈ છે, હાલ તો અમારા બાળકો કરતા અમારી પ્રાથમિકતા દર્દીઓને સ્વાસ્થ્ય પ્રદાન કરવાની છે, તેમ રાત દિવસ સમરસ ખાતે ફરજ બજાવતા ડો. કેતન અને ડો. શીતલ પીપળીયા દંપતી કોઈપણ પ્રકારના ખેદ વગર જણાવે છે.

કોરોનાએ જેટલી ઝડપથી વેગ પકડ્યો તેટલા જ વેગથી સમરસ હોસ્ટેલ ખાતે ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનના બેડ સાથેનું સેટઅપ વધારવા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ત્વરિત ગતિએ કામ વધારાતું ગયું. જેમાં ઓક્સિજનની પાઈપલાઈન ફિટ કરાયા બાદ તમામ બેડ પાસે પદ્મકુંવરબા હોસ્પિટલના ડો. પીપળીયા અને તેમની ટીમ લાઈન ફ્લશીંગ, ઓક્સિજન પ્રેશર, વોલ્યુમ તેમજ ટેસ્ટિંગ સહિતની કામગીરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે રોજે રોજ ઓક્સીઝનની સપ્લાય તેમજ જથ્થો મળી રહે તે માટે ડેપ્યુટી કલેકટર અને અધિક્ષક ગોહિલ તેમજ અધિકારીઓ સાથે કોર્ડીનેશન પણ કરવાનું તો ખરૂ જ.

ડો. કેતન પીપળીયાની સાથે જ તેમના ફિઝીયોલોજિસ્ટ પત્ની ડો. શીતલ પીપળીયા જેઓ પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે એસોસિએટ પ્રોફેસર છે તેઓ પણ હાલમાં સમરસ ખાતે ફ્લોર મેનેજર તરીકે ક્લિનિકલ, વેકેન્સી તેમજ ડિસ્ચાર્જ સહિતની જવાબદારી તો નિભાવી જ રહયાં છે, પરંતુ તેની સાથો-સાથ તેઓ તેમની ૧૨ વર્ષની પુત્રી અને બે ૧૦ વર્ષના ટ્વિન્સ બાળકોના માતા તરીકેની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. બાળકો માટે ભોજન અને તેમની રોજબરોજની પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે ખાસ ટાઈમ મેનેજમેન્ટ કરીને એક ગૃહણી તરીકેની જવાબદારી પણ અદા કરી રહયાં છે. સમરસની સમગ્ર ટીમને શ્રેય આપતા ડો. પીપળીયા જણાવે છે કે, સમરસ ખાતે તમામ સ્ટાફ ડેડીકેટેડ હોવાનું અને એકબીજાના સંકલનમાં સારી રીતે કામગીરી કરી રહ્યા છે. હાલની સ્થિતિએ દર્દીઓ વહેલાસર સાજા થઈ ઘરે પરત ફરે તેવી ભાવના સાથે સૌ કામગીરી કરી રહ્યાનું જણાવે છે.