અમદાવાદઃ ગુજરાતની યુનિવર્સિટીઓમાં સિન્ડિકેટ યાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું વિશેષ મહત્વ હોય છે. કોલેજોને મંજુરી આપવાથી લઈને વિવિધ અભ્યાસક્રમો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. સેનેટનું પણ મહત્વ હોય છે, હવે નવી શિક્ષણ નીતિ મુજબ આ બન્ને બોડીનું અસ્તિત્વ જ નાબુદ થઈ જશે. અને તાના સ્થાને બોર્ડ ઓફ ગવર્નરની રચના કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશભરમાં આગામી સમયમાં નવી શિક્ષણનીતિ લાગુ થવાની છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધી યુનિવર્સિટીઓમાં નીતિ વિષયક, શૈક્ષણિક અને વહીવટી નિર્ણયો સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવતા હતા. વર્ષમાં એક વખત સેનેટની મિટિંગ બોલાવતી પરંતુ હવે જ્યારે રાજ્યની દરેક યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 લાગુ થશે ત્યારબાદ દરેક યુનિવર્સિટીમાં રહેલી સિન્ડિકેટ અને સેનેટ નાબૂદ થશે. તેની જગ્યાએ બોર્ડ ઓફ ગવર્નરની સ્થાપના કરવામાં આવશે અને યુનિવર્સિટીના તમામ નિર્ણયો આ બોડીના સભ્યો દ્વારા જ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બોર્ડ ઓફ ગવર્નરની સ્થાપના કરવામાં આવ્યા બાદ યુનિવર્સિટીઓમાં નીતિ વિષયક, શૈક્ષણિક, વહીવટી ઉપરાંત જે-તે શૈક્ષણિક સંસ્થાના વડા સહિતનાઓની નિમણૂક કરવાની સત્તા પણ આ બોડીને આપવામાં આવશે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગામી માર્ચ મહિનામાં જ સેનેટની ચૂંટણી થવાની છે જેમાં ટીચર્સની જુદી જુદી 20થી વધુ બેઠકો સહિત તબક્કાવાર કુલ 100થી વધુ બેઠકો પર ચૂંટણી થવાની છે, પરંતુ સેનેટની ચૂંટણી થયા બાદ જે સેનેટ સભ્યો ચૂંટાશે તે તમામ જ્યારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાગુ થશે ત્યારે નાબૂદ થશે અને સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યોના સ્થાને બોર્ડ ઓફ ગવર્નર અસ્તિત્વમાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિનો રાજ્યની યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જ અમલ શરૂ થઇ ગયો છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં જુદા જુદા અનેક મુદ્દાઓ છે જે શિક્ષણના જુદા જુદા પ્રવાહમાં લાગુ કરવાના છે. જે પૈકી ઉચ્ચ શિક્ષણનો મુદ્દો છે તેમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાગુ થયા બાદ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો નાબૂદ થઇ જશે અને તેની જગ્યાએ બોર્ડ ઓફ ગવર્નર ની સ્થાપના થશે. જે સંસ્થાના તમામ નિર્ણયો આ બોડી જ લેશે. જોકે શૈક્ષણિક સંસ્થાઓમાં હજુ પ્રથમ તબક્કામાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી રહી છે અને બોર્ડ ઓફ ગવર્નર ત્રીજા તબક્કામાં લાગુ થવાનું છે એટલે કે અંદાજિત 5થી 6 વર્ષ બાદ તે લાગુ થશે.