ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2024 માટે પોલીસ કર્મચારીઓનો ડ્રેસ કોડ નક્કી કરાયો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી-2024માં યોજાનારા વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારો ભાગ લેશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપી ભાગ લેશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન 1200 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. પોલીસ અલગ લુકમાં જોવા મળે એ માટે ખાખીની જગ્યાએ કેટેગરી વાઈઝ ડ્રેસ કોડ નક્કી કરી દેવાયો છે. જે અન્વયે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન પોલીસ કર્મચારીઓ શૂટ બૂટ અને બ્લેઝરમાં જોવા મળશે.
ગાંધીનગરમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સમિટ દરમિયાન વિદેશી ડેલિગેટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વાઈબ્રન્ટ સમિટમાં વીવીઆઈપીનો જમાવડો હોવાથી પોલીસ બંદોબસ્ત જડબેસાલક ગોઠવવામાં આવશે. પોલીસ એક્ઝિક્યુટિવ લુકમાં જોવા મળશે. જેનાં માટે પોલીસ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરી દેવાયો છે. એટલે કે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન પોલીસ કર્મીઓ ખાખી વરધીની જગ્યાએ શૂટ બૂટ અને બ્લેઝરમાં જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ-2024 દરમિયાન એક્ઝિક્યુટિવ માહોલ જળવાઈ રહે એ માટે ખાખીને તિલાંજલિ આપવામાં આવશે. જે અન્વયે મહિલા પોલીસ કર્મીઓ માટે પેન્ટ – કોટી તેમજ વીવીઆઈપીની સુરક્ષામાં ફરજ બજાવનાર કમાન્ડો સફારી જોવા મળશે. 1200 જેટલા પોલીસ કર્મચારીઓ વાઈબ્રન્ટ સમિટમાં ફરજ પર તૈનાત કરવામાં આવશે. વાઇબ્રન્ટ પરિસરમાં ફરજ બજાવનારા પોલીસ કોન્સ્ટેબલ અલગ રંગના પેન્ટ શુટમાં જોવા મળશે. જ્યારે પીઆઈથી લઈને ડીવાયએસપી સુધીના પોલીસ અધિકરીઓ માટે બ્લેઝર નક્કી કરાયા છે. જ્યારે એસપી રેન્કના અધિકારીઓ શુટ ટાઇમાં સજ્જ જોવા મળશે.તમામ પોલીસ કર્મચારીઓને કેટેગરી મુજબ અલગ અલગ કલરના આઈ કાર્ડ અપાશે. અંગ્રેજી બોલી શકતા હોય એવા પોલીસ કર્મચારીઓને વિદેશી મહાનુભાવોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે.